Rohit Sharma T20 World Cup 2026 ambassador: ક્રિકેટ ચાહકો માટે આતુરતાનો અંત આવ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમ યોજીને T20 વર્લ્ડ કપ 2026 નું સત્તાવાર સમયપત્રક જાહેર કર્યું છે. આ સાથે જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને 'હિટમેન' તરીકે જાણીતા રોહિત શર્મા માટે એક ગૌરવપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ICC એ રોહિત શર્માને આ મેગા ઇવેન્ટના સત્તાવાર 'બ્રાન્ડ એમ્બેસેડર' તરીકે નિયુક્ત કર્યા છે. વર્ષ 2024 માં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર રોહિત શર્મા હવે મેદાનની બહાર રહીને આ ટૂર્નામેન્ટની શાન વધારશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 7 ફેબ્રુઆરીએ USA સામેની મેચથી કરશે.
રોહિત શર્મા: ચેમ્પિયન કેપ્ટનથી બ્રાન્ડ એમ્બેસેડર સુધી
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 2024 માં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. 11 વર્ષના લાંબા દુષ્કાળ બાદ ભારતે ICC ટ્રોફી જીતી હતી. આ જીત બાદ તરત જ રોહિતે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. જોકે, ક્રિકેટમાં તેમના અમૂલ્ય યોગદાનને ધ્યાનમાં રાખીને ICC એ તેમને 2026 વર્લ્ડ કપના ચહેરા તરીકે પસંદ કર્યા છે. રોહિતે ભારત માટે T20 ફોર્મેટમાં 140.89 ના સ્ટ્રાઈક રેટ સાથે કુલ 4231 રન ફટકાર્યા છે, જે તેમને આ ફોર્મેટના દિગ્ગજ ખેલાડી બનાવે છે.
7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી જામશે જંગ
T20 વર્લ્ડ કપ 2026 નું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 8 માર્ચ સુધી ચાલશે. ભારતમાં કુલ 5 સ્થળો (મુંબઈ, દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને ચેન્નાઈ) પર મેચો રમાશે, જ્યારે શ્રીલંકામાં 3 સ્થળો (કોલંબોમાં બે અને કેન્ડીમાં એક) પર મેચોનું આયોજન થશે. કુલ 20 ટીમોને 5 અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવશે અને ફોર્મેટ 2024 ના વર્લ્ડ કપ જેવું જ રહેશે.
પાકિસ્તાન નક્કી કરશે ફાઇનલનું સ્થળ?
આ વખતે શેડ્યૂલમાં એક રસપ્રદ શરત રાખવામાં આવી છે. જો પાકિસ્તાનની ટીમ નોકઆઉટ રાઉન્ડ અને ફાઇનલ સુધી પહોંચે છે, તો ફાઇનલ મેચ અમદાવાદને બદલે શ્રીલંકાના કોલંબોમાં રમાશે.
સેમિફાઇનલ: જો પાકિસ્તાન સુપર-8 રાઉન્ડ પાર નથી કરી શકતું, તો પ્રથમ સેમિફાઇનલ 4 માર્ચે કોલંબોમાં અને બીજી 5 માર્ચે મુંબઈમાં રમાશે.
ફાઇનલ: જો પાકિસ્તાન ફાઇનલમાં નહીં હોય, તો ટાઇટલ મેચ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને શ્રીલંકાની યજમાનીમાં યોજાનારો આ વર્લ્ડ કપ ઉપખંડમાં ક્રિકેટનો ઉત્સવ બની રહેશે અને રોહિત શર્માની એમ્બેસેડર તરીકેની હાજરી ચાહકોનો ઉત્સાહ બેવડો કરશે.