આર.અશ્વિન ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં પરત ફર્યો છે. ચાર વર્ષ બાદ આર અશ્વિન ફરી એક વખત ટીમ ઇન્ડિયા માટે મર્યાદિત ઓવરોની ક્રિકેટ રમતા જોવા મળશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં અશ્વિનની વાપસી અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન રોહિત શર્માના કારણે અશ્વિનનું ટીમમાં વાપસી શક્ય બની છે.


જ્યારે પસંદગીકારો વર્લ્ડ કપ માટે ટીમ પસંદ કરી રહ્યા હતા, ત્યારે વિરાટ કોહલી (Virat Kohli) સાથે રોહિત શર્મા (Rohit Sharma)ને બેઠકમાં ભાગ લેવાની તક મળી. રોહિત શર્મા આર અશ્વિનની વાપસીને સમર્થન આપ્યું હતું. બેઠક દરમિયાન રોહિત શર્માએ કહ્યું કે આર અશ્વિનનો અનુભવ ટીમ ઈન્ડિયા માટે ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે.


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેપ્ટન વિરાટ કોહલીએ પણ આર અશ્વિનની વાપસીને સમર્થન આપ્યું હતું. વિરાટ કોહલીએ ટીમમાં અશ્વિનને સહમતી આપી. જોકે વિરાટ કોહલીએ સ્પષ્ટતા કરી હતી કે વોશિંગ્ટન સુંદરના ફિટ ન હોવાને કારણે અશ્વિનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.


IPL માં અશ્વિનનું પ્રદર્શન શાનદાર છે


વાસ્તવમાં, અશ્વિનની વાપસીનું સૌથી મોટું કારણ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેનું સતત પ્રદર્શન છે. ગયા વર્ષે અશ્વિને IPLમાં 13 વિકેટ લીધી હતી અને આ સમય દરમિયાન તેનો ઈકોનોમી રેટ 7 થી થોડો ઉપર રહ્યો હતો. 2019માં પણ આર અશ્વિન 7 ની ઇકોનોમી રેટ પર 15 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.


અશ્વિનની સૌથી મોટી ગુણવત્તા એ છે કે તે પાવરપ્લેમાં શાનદાર બોલિંગ કરે છે. ગયા વર્ષે, પાવરપ્લે દરમિયાન અશ્વિનનો ઇકોનોમી રેટ 7થી નીચે હતો. આ સિવાય વિદેશી ટીમોમાં ડાબા હાથના બેટ્સમેનોની સંખ્યા વધારે હોવાને કારણે અશ્વિન ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.