રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે જ્યારે રમતના બીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ ભારત પર પ્રભુત્વ જમાવી રહી હતી ત્યારે તેણે ખેલાડીઓને શું સંદેશ આપ્યો હતો. રોહિત શર્માના કહેવા પ્રમાણે, તેણે ટીમના તમામ ખેલાડીઓને શાંત રહેવા માટે કહ્યું હતું.
ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ 434 રને જીતી લીધી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ભારતના પ્રથમ દાવના 445 રનના જવાબમાં ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 319 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં, ભારતે 430/4નો સ્કોર કર્યો અને ઇંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 122 રનમાં સમાઈ ગઈ અને તે મેચ મોટા માર્જિનથી હારી ગઈ.
મેચ બાદ વાતચીત દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે કેવી રીતે મેચમાં પાછળ હોવા છતાં ટીમે શાનદાર વાપસી કરી. તેણે કહ્યું, જ્યારે તમે ટેસ્ટ ક્રિકેટ રમો છો, ત્યારે તે માત્ર 2-3 દિવસ માટે નથી રમાતી. અમે એ પણ સમજીએ છીએ કે પાંચ દિવસ રમવું કેટલું મહત્વનું છે. ઈંગ્લેન્ડ ખૂબ સારું રમ્યું અને અમને દબાણમાં રાખ્યું અમારી બોલિંગે શાનદાર પ્રદર્શન કર્યું. મેં ખેલાડીઓને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંત રહેવાનો સંદેશ આપ્યો હતો. બીજા દિવસે અમે જે રીતે મેચમાં વાપસી કરી તેના પર મને ખૂબ ગર્વ છે. જ્યારે આવી વસ્તુઓ થાય છે ત્યારે ખૂબ આનંદ થાય છે.
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું છે. આ ઐતિહાસિક જીત સાથે ટીમ ઈન્ડિયા આ સીરીઝમાં 2-1થી આગળ થઈ ગઈ છે. આ મેચમાં ભારતીય ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું અને ઈંગ્લેન્ડને એકતરફી રીતે હરાવ્યું હતું. એક ક્ષણ માટે એવું લાગી રહ્યું હતું કે આ મેચ પાંચમા દિવસે ખતમ થઈ જશે, પરંતુ ટીમ ઈન્ડિયાની શાનદાર બોલિંગ સામે કોઈ પણ ઈંગ્લિશ બેટ્સમેન ટકી શક્યો નહીં અને 557 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે તેઓ 122ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયા. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે.