નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ દુનિયાભરના દેશોમાં મોટી મોટી ટૂર્નામેન્ટ અને રમતજગતની સીરીઝો રદ્દ થઇ ગઇ છે, તો ક્યાંક સ્થગિત કરી દેવામાં આવી છે. આવામાં ભારતમાં આઇપીએલ પર પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. બીસીસીઆઇ તરફથી અગાઉ ટૂર્નામેન્ટને આ વર્ષ માટે ભૂલી જવાની પણ વાત કહેવામાં આવી ચૂકી છે. હવે આઇપીએલને ખાલી સ્ટેડિયમમાં કરાવવાને લઇને ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માએ ખાસ પ્રતિક્રિયા આપી છે.


અંગ્રેજી ચેનલ ઇન્ડિયા ટુડેના એક કાર્યક્રમમાં ટીમ ઇન્ડિયાના ઉપકેપ્ટન અને આઇપીએલના મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, સરકારની ગાઇડ લાઇનનું દરેકે પાલન કરવુ જોઇએ.

જ્યારે પણ ફિક્સચર જાહેર થશે ત્યારે બધાને ખબર પડી જશે, કઇ રીતે ટૂર્નામેન્ટનુ આયોજન થવાનુ છે. હાલ સ્વાસ્થ્ય અને સુરક્ષા જરૂરી છે.



રોહિતે ખાલી સ્ટેડિયમમાં આઇપીએલની મેચો રમાડવા અંગે બોલતા કહ્યું કે, આ વાત થોડી વિચિત્ર લાગશે. રોહિતે કહ્યું ખબર નથી આના પર ફેન્સનની કેવી પ્રતિક્રિયા આવશે. રોહિતે કહ્યું જો આમ થાય છે તો કમ સે કમ ક્રિકેટ ફેન્સ માટે ટીવી પર મેચ જોવાનો વિકલ્પ તો રહેશે જ. રોહિતે વધુમાં કહ્યું બીસીસીઆઇ જે પણ નિયમ નક્કી કરશે, તેનુ પાલન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 29 માર્ચે શરૂ થવાની હતી, જેને કોરોનાના કારણે 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી, હવે બીસીસીઆઇએ હાલ આઇપીએલને અનિશ્ચિતકાળ સુધી ટાળી દીધી છે. આઇપીએલ પર હજુ પણ અટકળો વહી રહી છે.