Rohit Sharma To BCCI Officials: તાજેતરમાં BCCI અધિકારીઓએ વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભાવિ કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અહીં BCCI અધિકારીઓ સાથે જોડાયા હતા. દરમિયાન રોહિત શર્માએ BCCI અધિકારીઓ સાથે આગામી T20 વર્લ્ડ કપમાં રમવાની સંભાવનાઓ વિશે સ્પષ્ટ વાત કરી હતી.


એક અખબારના અહેવાલમાં મીટિંગમાં હાજર અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યુ હતું કે રોહિત શર્માએ બોર્ડના સભ્યોને કહ્યું હતું કે 'જો તમે મને ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવા માંગો છો તો મને તેના વિશે હમણાં જ જણાવો.' રિપોર્ટ અનુસાર, મીટિંગમાં હાજર તમામ અધિકારીઓ, પસંદગીકારો અને કોચ રાહુલ દ્રવિડ સર્વસંમતિથી T20 વર્લ્ડ કપની કેપ્ટનશીપ રોહિત શર્માને સોંપવાના મતમાં હતા. પસંદગીકારો પણ ઇચ્છતા હતા કે રોહિત સાઉથ આફ્રિકા સામેની ટી-20 સીરિઝથી જ ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ સંભાળે પરંતુ રોહિતે થોડા દિવસો માટે બ્રેક માંગ્યો હતો.


BCCIની આ સમીક્ષા બેઠકનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. જોકે, રોહિત શર્મા વીડિયો કોન્ફરન્સ દ્વારા આ મીટિંગમાં સામેલ થયો હતો. ભારતીય કેપ્ટન આ દિવસોમાં લંડનમાં રજાઓ માણી રહ્યો છે. વર્લ્ડ કપ બાદ જ તે લંડન જવા રવાના થયો હતો.


રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામેની ટી-20 અને વનડે શ્રેણીમાં નહીં રમે. તે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળશે. રોહિતની બ્રેક લેવાની વિનંતીને કારણે પસંદગીકારોએ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવને આપી છે. કેએલ રાહુલ વનડે સીરિઝમાં કેપ્ટનશીપ કરશે.                                


વાસ્તવમાં BCCI તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે અપડેટ આપતી વખતે કહેવામાં આવ્યું હતું કે, "રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બોર્ડને પ્રવાસની વન-ડે અને ટી-20 સીરિઝમાંથી બ્રેક લેવાની વિનંતી કરી હતી 


આ સિવાય મોહમ્મદ શમી વિશે કહેવામાં આવ્યું કે, "મોહમ્મદ શમી હાલમાં મેડિકલ ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે અને તેની ઉપલબ્ધતા તેની ફિટનેસ પર નિર્ભર છે."