India vs Australia Test: ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમ માટે આ શરમજનક હાર રહી. આ મેચ બાદ રોહિત શર્મા વિશે એક મહત્વપૂર્ણ અપડેટ મળ્યું છે. એક રિપોર્ટ મુજબ રોહિત શર્મા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાંથી બહાર થઈ શકે છે. આ મુકાબલો પર્થમાં 22 નવેમ્બરથી રમાશે. ભારત ઓસ્ટ્રેલિયાનો આ મુકાબલો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.


રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની હારની જવાબદારી પોતે જ લીધી છે. તેમણે મુંબઈ ટેસ્ટ બાદ કહ્યું કે તેઓ કેપ્ટનશીપની સાથે સારી બેટિંગ પણ નથી કરી શક્યા. ઈકોનોમિક્સ ટાઈમ્સના એક સમાચાર મુજબ રોહિતે પર્થ ટેસ્ટમાં રમવા અંગે પણ શંકા વ્યક્ત કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાવાની છે. રિપોર્ટ મુજબ રોહિતે કહ્યું, "હું પર્થ ટેસ્ટમાં રમીશ કે નહીં, એ વિશે હમણાં કંઈ કહી શકતો નથી." આથી રોહિત ટેસ્ટ ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લઈ શકે છે.


ન્યૂઝીલેન્ડ સામે રોહિતનો ખરાબ દેખાવ


ન્યૂઝીલેન્ડે ભારતને મુંબઈ ટેસ્ટમાં 25 રનથી હરાવ્યું. રોહિત શર્માએ આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 18 રન બનાવ્યા હતા. તેઓ ત્યારબાદ આઉટ થઈ ગયા. જ્યારે બીજી ઇનિંગ્સમાં માત્ર 11 રન બનાવીને આઉટ થયા. રોહિતનો આખી સિરીઝમાં ખરાબ દેખાવ જોવા મળ્યો. તેઓ 3 મેચમાં માત્ર 91 રન જ બનાવી શક્યા. આવી જ સ્થિતિ વિરાટ કોહલીની રહી. કોહલીએ 3 મેચમાં માત્ર 93 રન બનાવ્યા.


મુંબઈમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયા મુંબઈ ટેસ્ટમાં 25 રનથી હારી ગઈ હતી. ભારતમાં 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો વ્હાઇટ વોશ કરનાર ન્યૂઝીલેન્ડ પ્રથમ ટીમ બની છે.


ટીમ ઈન્ડિયાએ 1933-34માં પ્રથમ વખત ઘરની ધરતી પર ટેસ્ટ શ્રેણી રમી હતી, જે ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી હતી, જેમાં ઈંગ્લેન્ડ 2-0થી જીત્યું હતું. હવે ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ એવી ટીમ બની છે જેણે ભારતમાં ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતને 3-0થી હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડે ટોમ લાથમની કેપ્ટન્સીમાં આ ઐતિહાસિક કારનામું કર્યું હતું.


આ પણ વાંચોઃ


IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો