Uttarakhand News: ઉત્તરાખંડના રૂરકીમાં રેલ્વે તેની જમીનને અતિક્રમણથી મુક્ત કરવાના જોરદાર અભિયાન ચલાવી રહી છે. જેને લઈને રેલવે પ્રશાસને તેમની જમીન બચાવવા માટે લોકોના ઘરની બહાર થાંભલાઓ ખોડી દીધા છે. જે ઘરોની બહાર પિલર ઉભા કરી દેવામાં આવ્યા છે તેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતનું ઘર પણ સામેલ છે. રેલવેએ ક્રિકેટરના ઘરને પણ બક્ષ્યું નથી.


માનવામાં આવી રહ્યું છે કે, ઘણા વર્ષોથી અનેક લોકોએ લોકોએ રેલવેની મસ મોટી જમીન પર અતિક્રમણ કરીને રાખ્યું હતું. રેલવે પ્રશાસને રૂડકીના ધાંધેરામાં ચાર દિવસ પહેલા અતિક્રમણ સામે કાર્યવાહી આરંભી દીધી છે. થાંભલા ખોપી દેવામાં આવ્યા  હોવાના કારણે લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોએ ઘરની તસવીર સાથે ટ્વિટર પર સવાલો ઉઠાવ્યા છે. તેઓ કહે છે કે, શું સરકાર પોતાના દેશના ખેલાડીઓનું આ જ રીતે સન્માન કરે છે? રેલવે મંત્રાલય ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીને પણ ટેગ કરીને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યાં છે.


રિષભ પંતને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો


ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ ઉત્તરાખંડ સરકારે રિષભ પંતને રાજ્યનો બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યો હતો. સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, રાજ્યના યુવાનોને રમત ગમત અને જાહેર આરોગ્ય પ્રત્યે પ્રોત્સાહિત કરવાના હેતુથી ઋષભ પંતની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે. આ પછી બંનેની સાથેની તસવીર પણ સામે આવી હતી અને રિષભ પંતે પણ આ જવાબદારી પર ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે રેલ્વેની કાર્યવાહીને કારણે વહીવટીતંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. 


જો કે આ મામલે હજુ સુધી ઋષભ પંત કે તેના પરિવારના કોઈ સભ્યનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પરંતુ રેલવેની આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે, જે લોકોએ જમીન પર કબજો કર્યો છે તેને મુક્ત કરાવવામાં આવશે જ. 


ઉલ્લેખનીય છે કે, હાલ ઋષભ પંત બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાની સાથે છે. ભારત બાંગ્લાદેશમાં ટી-20, વન-ડે અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં શ્રેણી રમી રહ્યું છે. 


પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો, રાવલપિન્ડીમાં બેન થઇ શકે છે ઇન્ટરનેશનલ ક્રિકેટ


આજકાલ ઇંગ્લેન્ડ ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે, બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે, ઇંગ્લેન્ડે સીરીઝની પ્રથમ બે મેચો જીતીને 2-0થી લીડ હાંસલ કરી લીધી છે. સીરીઝની પહેલી મેચ પાકિસ્તાનના રાવલપિન્ડીમાં રમાઇ હતી. આ મેચમાં રનોનો પુર આવ્યુ હતુ, રાવલપિન્ડીની આ પીચને લઇને હવે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.