રાંચીમાં રમાયેલી હાઈ-સ્કોરિંગ મેચમાં ભારત સામે મળેલી 17 રનની હાર બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ હવે બીજી વનડેમાં વળતો પ્રહાર કરવા તૈયાર છે. બુધવારે, 3 ડિસેમ્બરના રોજ રમાનારી આ મહત્વપૂર્ણ મેચમાં શ્રેણી જીવંત રાખવા માટે મહેમાન ટીમ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે. અહેવાલો મુજબ, નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા અને સ્ટાર સ્પિનર કેશવ મહારાજને ટીમમાં સ્થાન મળવાની પ્રબળ શક્યતાઓ છે.
રાયપુરમાં શ્રેણી બચાવવા મેદાનમાં ઉતરશે
આફ્રિકા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણી અત્યારે રોમાંચક તબક્કે પહોંચી છે. પ્રથમ વનડેમાં બંને ટીમોએ મળીને કુલ 681 રન ખડક્યા હતા, જેમાં ટીમ ઇન્ડિયાએ બાજી મારી હતી. હવે બીજો મુકાબલો 3 ડિસેમ્બર, બુધવારના રોજ રાયપુરના 'શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમ' ખાતે રમાશે. ભારતીય સમય મુજબ બપોરે 1:00 વાગ્યે ટોસ થશે અને 1:30 વાગ્યે મેચ શરૂ થશે. આ મેચ જીતવી દક્ષિણ આફ્રિકા માટે અનિવાર્ય હોવાથી ટીમ મેનેજમેન્ટ પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ મોટા બદલાવ કરી શકે છે.
ફેરફાર ૧: કેપ્ટન ટેમ્બા બાવુમાની વાપસી શક્ય
પ્રથમ મેચમાં ગેરહાજર રહેલા નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા બીજી વનડેમાં ટીમનું સુકાન સંભાળતા જોવા મળી શકે છે. પહેલી મેચમાં રાયન રિકેલ્ટન અને એડન માર્કરામે ઓપનિંગ કર્યું હતું, જ્યારે ડી કોક ત્રીજા ક્રમે રમ્યા હતા. જો બાવુમા પરત ફરે છે, તો બેટિંગ ઓર્ડરમાં ફેરફાર થશે. શક્યતા છે કે ક્વિન્ટન ડી કોક અને માર્કરામ દાવની શરૂઆત કરે અને બાવુમા ત્રીજા નંબર પર બેટિંગ કરે.
ફેરફાર ૨: 'હિન્દુ ક્રિકેટર' કેશવ મહારાજને મળશે તક?
દક્ષિણ આફ્રિકાના બોલિંગ આક્રમણને મજબૂત કરવા માટે ભારતીય મૂળના સ્ટાર સ્પિનર કેશવ મહારાજને તક મળી શકે છે. પ્રથમ વનડેમાં સ્પિનર પ્રેનેલન સુબ્રાયનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તેણે કોઈ વિકેટ લીધા વિના 10 ઓવરમાં 73 રન આપી દીધા હતા. આ સ્થિતિમાં અનુભવી કેશવ મહારાજનો સમાવેશ ટીમ માટે વરદાન સાબિત થઈ શકે છે.
ફેરફાર ૩: ઓટનિલ બાર્ટમેનની જગ્યાએ લુંગી ન્ગીડી
રાંચીની સપાટ પીચ પર ઓટનિલ બાર્ટમેન ખૂબ મોંઘો સાબિત થયો હતો અને તેણે 10 ઓવરમાં 60 રન લુટાવ્યા હતા. બીજી વનડેમાં બોલિંગ આક્રમણને ધારદાર બનાવવા માટે અનુભવી પેસ બોલર લુંગી ન્ગીડીને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન (બીજી વનડે માટે): એડન માર્કરામ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), મેથ્યુ બ્રિત્ઝકે, ટોની ડી જોર્ઝી, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો જેન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, નાન્દ્રે બર્ગર અને લુંગી ન્ગીડી.