T20 World Cup 2024 SA vs BAN: ટી20 વર્લ્ડકપ 2024ની 21 નંબરની મેચ બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આફ્રિકાએ બાંગ્લાદેશને 4 રને હરાવ્યું હતું. આ જીત સાથે આફ્રિકાએ T20 ઇન્ટરનેશનલમાં બાંગ્લાદેશ સામે એકપણ મેચ ન હારવાનો પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો, પરંતુ આ મેચમાં એક ક્ષણ એવી પણ આવી, જ્યાં બૉલ બાઉન્ડ્રી પર વાગ્યા બાદ પણ એમ્પાયરે ચોગ્ગો ન હતો આપ્યો, અને અંતે બાંગ્લાદેશને આ જ 4 રન હારનું કારણ બન્યુ, આ કારણે જ એ મેચમાં બાંગ્લાદેશની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.


તો હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું બાંગ્લાદેશ સાથે બેઈમાની થઇ હતી? તો જવાબ 'ના' હશે, કારણ કે નિયમો મુજબ એમ્પાયરે એકદમ સાચો નિર્ણય આપ્યો હતો. પરંતુ તમે ચોક્કસપણે તેને બાંગ્લાદેશનું દુર્ભાગ્ય કહી શકો છો. તો શું હતો આખો મામલો અને કેવી રીતે અને શા માટે એમ્પાયરે ચોગ્ગા પછી પણ 4 રન ના આપ્યા, ચાલો સમજીએ.


બીજી ઇનિંગ દરમિયાન (જ્યારે બાંગ્લાદેશ ટાર્ગેટનો પીછો કરી રહ્યું હતું), આફ્રિકન ફાસ્ટ બૉલર ઓટનીએલ બાર્ટમેને 17મી ઓવરનો બીજો બૉલ બાંગ્લાદેશના બેટ્સમેન મહમુદુલ્લાહને ફેંક્યો હતો. આ બોલ મહમુદુલ્લાહના પેડ પર વાગ્યો અને પછી સીધો બાઉન્ડ્રી તરફ ગયો. બૉલ બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો. આ બોલ પર અપીલ કરવામાં આવી હતી, જેના પર ફિલ્ડ એમ્પાયરે મહમુદુલ્લાહને આઉટ જાહેર કર્યો હતો.


પરંતુ બાંગ્લાદેશી બેટ્સમેને એમ્પાયરના નિર્ણયની સમીક્ષા કરી અને થર્ડ એમ્પાયરે તેને નૉટઆઉટ જાહેર કર્યો કારણ કે બૉલ સ્ટમ્પ સાથે અથડાતો ન હતો. આવી સ્થિતિમાં તમે વિચારી રહ્યાં હશો કે જો એમ્પાયરનો નિર્ણય બદલાય તો બાંગ્લાદેશને ચોગ્ગો લેગ બાય મળવો જોઇતો હતો, પરંતુ બોલ બાઉન્ડ્રી લાઇનને પાર કરી ગયા બાદ પણ એમ્પાયરે બાયના 4 રન આપ્યા ના હતા.


બાંગ્લાદેશને કેમ ના મળ્યા 4 રન ? 
તેથી નિયમો મુજબ, એકવાર એમ્પાયર બેટ્સમેનને આઉટ જાહેર કરે, પછી ભલે એમ્પાયરનો નિર્ણય સમીક્ષા દ્વારા બદલવામાં આવે, તો બૉલ ડેડ થઈ જાય છે. જેના કારણે બાંગ્લાદેશને બાયના ચાર રન આપવામાં આવ્યા ન હતા. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વસીમ ઝફરે X પર આ વિશે પૉસ્ટ કર્યું. તેણે આ જ નિયમ પર પણ પ્રકાશ પાડ્યો અને કહ્યું કે એકવાર બેટ્સમેનને આઉટ કરવામાં આવે તો બોલ ડેડ થઈ જાય છે, જેના કારણે બાંગ્લાદેશને બાય આપવામાં આવી ન હતી.