India Vs South Africa Test Match: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયાએ સારી શરૂઆત કરી છે. આ વચ્ચે સાઉથ આફ્રિકાની ટીમ બ્લેક પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી છે. વાસ્તવમાં રવિવારે સાઉથ આફ્રિકા આર્ચબિશપ ડેસમંડ ટૂટૂનું નિધન થયું છે. 90 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડેસમંડ ટૂટૂ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા હતા. તેમણે આફ્રિકામાં વંશીય ભેદભાવ મામલે કામ કર્યું છે.
ડેસમંડ ટૂટૂને શ્રદ્ધાંજલિ આપતા સાઉથ આફ્રિકાના કિકેટર્સે બ્લેક આર્મ બેન્ડ બાંધ્યા હતા. મેચ શરૂ થયા અગાઉ બંન્ને ટીમોએ બે મિનિટ મૌન પાળ્યુ હતું. તે સિવાય આફ્રિકાના ખેલાડીઓએ બ્લેક લાઇવ મેટર્સના સમર્થનમાં ઘૂટણ પર બેઠા હતા.
વડાપ્રધાન મોદીએ ડેસમંડ ટૂટૂના નિધન પર દુખ વ્યક્ત કર્યું અને ટ્વિટમાં લખ્યું કે આર્કબિશપ એમેરિટ્સ ડેસમંડ ટૂટૂ વિશ્વ સ્તર પર અગણિત લોકો માટે એક માર્ગદર્શક હતા. માનવીય ગરીમા અને સમાનતા પર તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.