SA vs WI 3rd T20I: દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રણ મેચની T20 શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝે 2-1થી કબજો કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી અને નિર્ણાયક મેચ જીતીને શ્રેણી જીતી લીધી હતી. T20 સીરિઝની ત્રીજી મેચ જોહનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો 7 રને વિજય થયો હતો. મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન રોમારિયો શેફર્ડે અણનમ 44 રન બનાવ્યા અને ઝડપી બોલર અલઝારી જોસેફે 5 વિકેટ ઝડપી હતી.






સીરિઝની અન્ય બે મેચોની જેમ આ મેચ પણ હાઈ સ્કોરિંગ મેચ હતી. બંને ટીમોએ 200 રનનો આંકડો પાર કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 220 રન બનાવ્યા હતા. જેમાં 9મા નંબરે બેટિંગ કરવા આવેલા રોમારીયો શેફર્ડે 22 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 44 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય નિકોલસ પૂરને ટીમ માટે 19 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 41 રન જોડ્યા હતા. ઓપનિંગ પર આવેલા બ્રેન્ડન કિંગે 36 અને મિડલ ઓર્ડર બેટ્સમેન રેમન રેફરે 27 રન બનાવ્યા હતા.






રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 213 રન જ બનાવી શકી હતી. ટીમ માટે રીઝા હેન્ડ્રિક્સે 44 બોલમાં 83 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સિવાય રિલે રોસોએ પણ 21 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા. જો કે બંને બેટ્સમેનોની શાનદાર ઈનિંગ્સ ટીમને જીત અપાવી શકી નહોતી.


ત્રીજી મેચમાં પાંચ વિકેટ લેનાર વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર અલ્ઝારી જોસેફને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેણે 40 રન આપીને 4 ઓવરમાં 5 વિકેટ લીધી હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન જોન્સન ચાર્લ્સને તેની શાનદાર ઈનિંગ્સ માટે 'પ્લેયર ઓફ ધ સીરિઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ચાર્લ્સે પ્રથમ મેચમાં 14 બોલમાં 28 રન બનાવ્યા હતા. બીજી મેચમાં તેણે 46 બોલમાં 10 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી 118 રન બનાવ્યા હતા.