નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મહાન ક્રિકેટર સચિન તેંદુલકર બેટ્સમેનોની સુરક્ષાને લઇને ચિંતિત થયા છે. સચિને પ્રૉફેશનલ ક્રિકેટ રમતા બેટ્સમેન માટે ફરજિયાત હેલમેટ પહેરવાની માંગ કરી છે. સચિને કહ્યું કે અધિકારીઓએ નક્કી કરવુ જોઇએ કે પ્રૉફેશનલ ક્રિકેટ રમનારો કોઇપણ બેટ્સમેન હેલમેટ વિના મેદાન પર ના ઉતરે. સચિને આ માંગ સીધી આઇસીસીને કરી દીધી છે.

સચિને પોતાની કેરિયરમાં ક્યારેય વિના હેલમેટ પહેરને બેટિંગ નથી કરી, સચિને ટ્વીટ કરીને આઇપીએલની 13 સિઝનમાં 24 ઓક્ટોબરે બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો, અને લખ્યુ- ખેલાડીઓની સુરક્ષા માટે જરૂરી છે કે બેટ્સમેનને કોઇપણ સ્થિતિમાં હેલમેટ વિના મેદાન પર ના ઉતરવા દેવામાં આવે.

સચિને જે મેચનો ઉલ્લેખ કર્યો છે તે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી, અને આ મેચ દરમિયાન વિજય શંકરના મોઢા પર પંજાબના ફિલ્ડર નિકોલસ પૂરનનો એક થ્રૉ વાગ્યો હતો. તે રન લેવા માટે દોડી રહ્યો હતો અને હેલમેટ પણ ન હતુ પહેરેલુ.



સચિને આ ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું- રમત ઝડપી થઇ રહી છે, અને સુરક્ષિત પણ. તાજેતરમાં જ મે એક ઘટના જોઇ. જે ખુબ દર્દનાક હતી, ભલે તે સ્પિનર હોય કે ફાસ્ટર, બેટ્સમેનોને હેલમેટ વિના ક્રિઝ પર ના ઉતરવા દેવામાં આવે.



સચિનના ટ્વીટ બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં પણ આવી જ ઘટના જોવા મળી. મુંબઇની ઇનિંગના છેલ્લા બૉલ પર થ્રૉ સીધો ધવલ કુલકર્ણીના માથા પર વાગ્યો હતો. જોકે, ધવલે હેલમેટ પહેરેલુ હતુ તે કારણે તે ઇજાથી બચી ગયો હતો.