Coronavirus: કોરોના વાયરસના કારણે દેશભરમાં ગંભીર સ્થિતિ છે. અત્યાર સુધી 900થી વધુ કોરોના સંક્રમિત કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 20 લોકોના મોત થયા છે. કોરોનાની મહામારી સામે લડવા અનેક હસ્તીઓ આર્થિક મદદ માટે આવી છે. તેની વચ્ચે મહેન્દ્ર સિંહ ધોનીએ પણ એક લાખ રૂપિયા દાન કર્યા હોવાના અહેવાલ આવ્યા હતા હવે આ સમાચારોને ધોનીની પત્ની સાક્ષીએ ફગાવી દીધાં છે અને અફવા ફેલાવનારાઓ પર ભડકી હતી.

સાક્ષી ધોનીએ ટ્વીટ કરી કે, “હું તમામ મીડિયાને અપીલ કરું છું કે આવા ગંભીર સમયમાં ખોટી અફવાઓ ના ફેલાવે. શરમ આવે છે. જવાબદાર પત્રકારત્વ હવે ગાયબ થઈ ગયું છે.” જો કે, સાક્ષીએ પોતાના ટ્વીટમાં ધોનીના દાનની જાણકારીનો કોઈ ઉલ્લેખ નથી કર્યો.



ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પુણે સ્થિત એક એનજીઓના માધ્યમથી 1 લાખ રૂપિયાનું દાન આપ્યું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. તેના બાદ આટલી ઓછી રકમ દાન કરવા પર ફેન્સે તેમની ટીકા કરી હતી.

કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં અત્યાર સુધી યોગદાન આપવા માટે વધુ ક્રિકેટર્સ સામે નથી આવ્યા પરંતુ શુક્રવારે સચિન તેંડુલકરે 50 લાખ રૂપિયા આપીને કોરોના સામેની લડાઈમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી છે, જ્યારે સૌરવ ગાંગુલીએ પણ 50 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી.