Sanju Samson Century: હૈદરાબાદના મેદાન પર સંજુ સેમસને બેટ વડે કહેર વર્તાવ્યો હતો. વિકેટકીપર બેટ્સમેને પોતાની તોફાની બેટિંગથી ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું. વિસ્ફોટક બેટિંગ કરતા સંજુએ T-20 ઈન્ટરનેશનલમાં પોતાની પ્રથમ સદી માત્ર 40 બોલમાં ફટકારી હતી. પોતાની વિસ્ફોટક ઇનિંગ્સ દરમિયાન સંજુએ ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા. સેમસને ટી-20માં ભારત માટે બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. જમણા હાથના બેટ્સમેને T-20 ઇન્ટરનેશનલમાં એવી સિદ્ધિ મેળવી છે, જે મહેન્દ્ર સિંહ ધોની અને રિષભ પંત પણ કરી શક્યા નથી. સંજુએ 47 બોલમાં 111 રનની યાદગાર ઇનિંગ રમી હતી.
સંજુએ હલચલ મચાવી દીધી
સંજુ સેમસને બાંગ્લાદેશ સામેની ત્રીજી T20 મેચ પહેલા પ્રથમ બે T20 મેચમાં ફ્લોપ રહ્યો હતો. જો કે, ત્રીજી ટી20માં સંજુ શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં દેખાતો હતો અને તેણે બીજી જ ઓવરમાં સતત ચાર ચોગ્ગા ફટકારીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. વિકેટકીપર બેટ્સમેને તેની વિસ્ફોટક બેટિંગ વડે વિપક્ષી બોલરોની લાઈનલેન્થ વીખી નાખી હતી.
સંજુએ માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી, જે બાંગ્લાદેશ સામે ટી20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી પણ છે. સેમસને શાનદાર બેટિંગ કરી અને 40 બોલમાં તેની પ્રથમ ટી20 સદી પૂરી કરી. જમણા હાથના બેટ્સમેને 47 બોલમાં 111 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન સંજુએ 11 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.
ધોની-પંત જે ન કરી શક્યા, એ સંજુએ કરી બતાવ્યું
વાસ્તવમાં, સંજુ સેમસન T-20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. ધોની કે ઋષભ પંત બંનેમાંથી કોઈએ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં સદી નોંધાવી નથી. સંજુએ સુકાની સૂર્યકુમાર યાદવ સાથે મળીને બાંગ્લાદેશના બોલરો પર પ્રહાર કર્યા હતા. બંનેએ સાથે મળીને બીજી વિકેટ માટે 69 બોલમાં 173 રનની મજબૂત ભાગીદારી કરી, જેના આધારે ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડ પર 297 રન બનાવ્યા, જે ટીમનો આ ફોર્મેટમાં સર્વોચ્ચ સ્કોર છે.
એક ઓવરમાં પાંચ છગ્ગા
સંજુ સેમસને ઇનિંગની 10મી ઓવરમાં રિશાદ હુસૈન સામે જોરદાર પ્રહાર કર્યો હતો. વિકેટકીપર બેટ્સમેને ઓવરના છ બોલમાંથી પાંચ બોલ સીધા બાઉન્ડ્રી લાઇનની પાર કરાવ્યા હતા. રિશાદની આ ઓવરથી સંજુએ એક પછી એક ગગનચુંબી છગ્ગા ફટકારીને 30 રન બનાવ્યા. સંજુએ ખાસ કરીને રિશાદને નિશાન બનાવ્યો અને તેની બે ઓવરમાં 46 રન બનાવ્યા.
આ પણ વાંચો...