CWG 2022: બર્મિંગહમ ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022નો આજે અંતિમ દિવસ છે. આજે ભારત માટે સતત ગોલ્ડ મેડલ આવી રહ્યા છે ત્યારે વધુ એક ગોલ્ડ મેડલ બેડમિન્ટન રમતમાં મેન્સ ડબલમાં આવ્યો છે. ભારતના ખેલાડી સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે, આ ગોલ્ડ મેડલ સાથે ઈતિહાસ રચાયો છે કારણ કે, ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત મેન્સ ડબલ બેડમિન્ટનની રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
બેડમિન્ટનમાં ભારતનું શાનદાર પ્રદર્શનઃ
આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટનનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. આજે લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ જીત્યા બાદ સાત્વિકસાંઈ રાજ અને ચિરાગ શેટ્ટીએ પણ મેન્સ ડબલ મેચમાં ગોલ્ડ પર કબજો કર્યો છે. આજે મેન્સ ડબલની ફાઈનલ મેચમાં તેણે ઈંગ્લેન્ડના બેન લેન અને સેન વેન્ડીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એકતરફી મેચમાં ગોલ્ડ કબજે કર્યો
આજે મેન્સ ડબલની ફાઈનલમાં ગોલ્ડ મેડલ માટે કોર્ટ પર ઉતરેલા સાત્વિકસાંઈ રાજ અને ચિરાગ શેટ્ટીએ શાનદાર રમત બતાવી હતી, આ જોડીએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડના બેન લેન અને સેન વેન્ડીને એક પણ તક આપી ન હતી. આ સ્ટાર ભારતીય જોડીએ પહેલો સેટ 21-15થી જીત્યો હતો, જ્યારે બીજા સેટમાં તેણે ઈંગ્લેન્ડની જોડીને 21-13થી હરાવીને ભારતની ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ મુક્યો હતો.