Saurashtra vs Delhi Ranji Trophy 2022: ટીમ ઇન્ડિયાના ટેસ્ટ બૉલર અને ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકટના નામે વધુ એક રેકૉર્ડ નોંધાયા છે, આ વખતે તેને ઘરેલુ ક્રિકેટ મેચોમાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. જયદેવ ઉનડકટે મંગળવારે રણજી ટ્રૉફીની મેચમાં તરખાટ મચાવતા જ પહેલી ઓવરામાં હેટ્રિક ઝડપી લીધી હતી, તેને મેચમાં અંતે 9 ઓવરમાં કુલ 6 વિકેટો ઝડપીને દિલ્હીની ટીમને ધરાશાયી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.


રાજકોટના ખંડેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એસસીએ) સ્ટેડિયમાં રણજી ટ્રૉફીના એલિટ ગૃપમાં દિલ્હી વિરુદ્ધ સૌરાષ્ટ્રની મેચ રમાઇ હતી, આ દિલ્હી વિરુદ્ધની આ મેચમાં 31 વર્ષીય જયદેવ ઉનડકટે આ કારનામું કર્યુ હતુ. 


દિલ્હીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, દિલ્હીના કેપ્ટન યશ ધુલનો આ નિર્ણય ખોટો સાબિત થયો. ઉનડકટે પહેલી જ ઓવરમાં હેટ્રિક લઈને ઈતિહાસ રચી દીધો. તે રણજી ટ્રોફીની કોઈ પણ મેચમાં પહેલી જ ઓવરમાં હેટ્રિક લેનાર પહેલો બોલર છે. જયદેવ ઉનડકટે પહેલી ઓવરના ત્રીજા બોલ પર ધ્રુવ શૌરેને આઉટ કર્યો. ત્યારબાદ વૈભવ રાવલ તેનો શિકાર થયો અને દિલ્હીના કેપ્ટન યશ ધુલને તેણે પાંચમા બોલ પર પેવેલિયન ભેગો કર્યો. ઉનડકટ અહીં જ ન રોકાયો તેણે બીજી ઓવરમાં પણ બે વિકેટ ઝડપી. આ વખતે જોન્ટી સિદ્ધુ અને લલિત યાદવ તેનો ભોગ બન્યા. 


મેચની વાત કરીએ તો.....
મેચની 9 ઓવરમાં અત્યાર સુધીમાં ઉનડકટે 29 રન આપીને 6 વિકેટ મેળવી છે. જ્યારે દિલ્હીની ટીમ 108 રન પર 8 વિકેટ ગુમાવીને હાલ સંકટમાં જોવા મળી રહી છે.


બાંગ્લાદેશ સામે પણ ઉનડકટનો સારો સ્પેલ રહ્યો - 
આ પહેલા જયદેવ ઉનડકટે હાલમાં જ બાંગ્લાદેશના પ્રવાસે 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચ રમી હતી. તેણે ભારત માટે 7 વનડે મેચમાં 8 વિકેટ અને 10 ટી 20 ઈન્ટરનેશનલ મેચમાં 14 વિકેટ લીધી છે. જ્યારે 2 ટેસ્ટ મેચમાં 3 વિકેટ તેના નામ પર છે.