નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. 2021માં ભારતીય ટીમ 14 ટેસ્ટ, 16 વન ડે અને 23 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમશે. આ ઉપરાંત ટી20 વર્લ્ડકપ અને એશિયાકપની મેચો પણ ભારતમાં રમાશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસેથી પરત ફર્યા બાદ ફેબ્રુઆરી-માર્ચમાં ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ, વન ડે અને ટી-20 મેચની સીરિઝ રમાશે. જેમાંની કેટલીક મેચ અમદાવાદમાં પણ રમાશે.

જે બાદ આઈપીએલ રમાશે. આઈપીએલ પૂરી થયા બાદ ભારત શ્રીલંકા પ્રવાસે જશે. જ્યાં ત્રણ વન ડે અને પાંચ ટી-20 રમાશે.આ સીરિઝ જૂન-જુલાઈમાં યોજાશે અને તરત જ એશિયા કપનું આયોજન થશે. જે બાદ ઝિમ્બાબ્વે પ્રવાસે ભારતીય ટીમ જશે.

ઝિમ્બાબ્વેથી ભારતીય ટીમ ઓગસ્ટમાં ઈંગ્લેન્ડ પ્રવાસે 5 ટેસ્ટ રમવા જશે. ઓક્ટોબરમાં સાઉથ આફ્રિકાની ટીમ ભારતમાં વન ડે અને 5 ટી20 મેચની સીરિઝ રમવા આવશે. જે બાદ ઓક્ટોબર નવેમ્બરમાં ભારતમાં ટી-20 વર્લ્ડકપ યોજાશે.



નવેમ્બરમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડમાં વન ડે અને ટી20 સીરિઝ રમવા જશે. જ્યારે ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે 3 ટેસ્ટ અને 3 ટી20 રમવા જશે. 2021ના વર્ષ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ વ્યસ્ત રહેશ અને ક્રિકેટ પ્રેમીઓને મેચનો આનંદ માણવા મળશે.