ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર શેફાલી વર્માએ ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. શેફાલીએ દક્ષિણ આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટ મેચના પહેલા દિવસે બેવડી સદી ફટકારી હતી. 20 વર્ષની શેફાલી મહિલા ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારી ખેલાડી બની ગઈ છે. તેણે વીરેન્દ્ર સેહવાગને તેની 16 વર્ષ જૂની ઇનિંગ્સની યાદ અપાવી. સેહવાગે દક્ષિણ આફ્રિકા સામે ચેન્નઈમાં આટલા જ બોલમાં બેવડી સદી પણ ફટકારી હતી.






એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા (IND w vs SA w) સામે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે 194 બોલમાં બેવડી સદી ફટકારી હતી, જેમાં તેણે 22 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 113 બોલમાં પોતાની સદી ફટકારી હતી. શેફાલીએ વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના સાથે મળીને પ્રથમ વિકેટ માટે 292 રનની ભાગીદારી કરી હતી, જ્યારે તેણે બીજી વિકેટ માટે એસ.શુભા સાથે 33 રન જોડ્યા હતા અને જેમિમાહ રોડ્રિગ્સ સાથે 86 રનની ભાગીદારી કરી હતી. જમણા હાથની બેટ્સમેન શેફાલીએ 66 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને 113 બોલમાં સદી ફટકારી. શેફાલીએ 158 બોલમાં 150 રન પૂરા કર્યા.






સેહવાગે 2008માં દક્ષિણ આફ્રિકા સામે ચેન્નઈમાં બેવડી સદી ફટકારી હતી


બરાબર 16 વર્ષ પહેલા વીરેન્દ્ર સેહવાગે ચેન્નઈમાં દક્ષિણ આફ્રિકા સામે માત્ર 194 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. ત્યાર બાદ સેહવાગે પ્રથમ દાવમાં 42 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 319 રન કર્યા હતા. વીરુએ તે સમયે 194 બોલમાં બેવડી સદી પણ ફટકારી હતી. તેણે પોતાની બેવડી સદીમાં 32 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.  


સ્મૃતિ અને શેફાલીની જોડીએ ઈતિહાસ રચ્યો છે. શેફાલી અને સ્મૃતિની જોડી મહિલા ટેસ્ટમાં 250થી વધુ રનની ભાગીદારી કરનાર પ્રથમ જોડી બની ગઈ છે. આ સિદ્ધિ પહેલા કોઇએ હાંસલ કરી નથી. શેફાલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. શેફાલી આ ટેસ્ટ પહેલા 4 મેચ રમી ચૂકી છે. આ દરમિયાન 338 રન કર્યા છે. આ પહેલા તેની ટેસ્ટ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 96 રન હતો. પરંતુ હવે તેણે સદીનો આંકડો પાર કરી લીધો છે.


શેફાલી અને સ્મૃતિની જોડીએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ જોડીએ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ભાગીદારી રમી છે. આ એશિયાની સૌથી મોટી ભાગીદારી હતી. પ્રથમ વખત કોઈ મહિલા ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે ઓપનર તરીકે સદી ફટકારી છે.