ઢાકાઃ ક્રિકેટના મેદાન પર એક વિચિત્ર ઘટના ઘટી છે, બે અનુભવી ખેલાડીઓ દ્વારા મેદાન પર જ મારામારી ઘટના સામે આવી છે. આ ખેલાડીઓ બાંગ્લાદેશના છે. આ ઘટના બાદ ફાસ્ટ બૉલર શહાદત હૂસેન પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

બાંગ્લાદેશના ફાસ્ટ બૉલર શહાદત હૂસેનને રાઝિબ હૂસેનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેના પર ઘરેલુ ક્રિકેટ મેચ દરમિયાન પોતાના જ સાથી ખેલાડી સાથે મારામારી કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડેની અનુશાન સમિતિએ તેના પર એક વર્ષ માટે બધા ફોર્મેટમાં ક્રિકેટ રમવા પર બેન લગાવી દીધો છે. શહાદતે ભૂલ માનીને અને સજા સ્વીકારી લીધી છે.



ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, ઘટના થોડાક દિવસો પહેલાની છે, આ ઘટના ઢાકા અને ખુલના ડિવિઝનની મેચ દરમિયાન ઘટી હતી. 33 વર્ષીય શહાદતે બૉલિંગ દરમિયાન મિડઓફ પર ફિલ્ડિંગ કરી રહેલા અરાફાત સનીને બૉલને એક બાજુએ ચમકાવવાનુ કહ્યું, જવાબમાં સનીએ શહાદતને કહી દીધુ કે બૉલની શાઇનિંગ બરાબર રાખતા તને નથી આવડતુ. આ શબ્દો સાંભળીને શહાદત હૂસેન ગુસ્સે ભરાઇ ગયો ને પછી અરાફાત સની સાથે મેદાન પર જ મારામારી કરવા લાગ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં બોર્ડ એક્શનમાં આવ્યુ હતું.



નોંધનીય છે કે, બન્ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે અને અનુભવી છે, બન્ને ખેલાડીઓ બાંગ્લાદેશ તરફથી રમી ચૂક્યા છે.