India Vs West Indies 2nd T20: મોડી રાત્રે સેન્ટ કિટ્સમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતનો કેપ્ટન રોહિત શર્મા ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો અને તે મેચના પ્રથમ બોલ પર ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે રોહિત શર્માના નામે એક અનિચ્છનીય રેકોર્ડ પણ નોંધાયો છે.


રોહિત શર્મા ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વખત આઉટ થનાર ખેલાડી છે. આ 8મી વખત હતો જ્યારે રોહિત શર્મા T20 ઇન્ટરનેશનલમાં ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્મા બાદ આ લિસ્ટમાં કેએલ રાહુલનો નંબર આવે છે. કેએલ રાહુલ T20 ઈન્ટરનેશનલમાં ખાતું ખોલ્યા વિના ચાર વખત પેવેલિયન પરત ફર્યો છે.


જો કે રોહિત શર્મા અને કેએલ રાહુલનું નામ બીજી એક ખાસ યાદીમાં આવે છે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે 4 સદી ફટકારી છે. આ મામલામાં પણ કેએલ રાહુલ બીજા નંબર પર છે. રાહુલે અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં બે સદી ફટકારી છે.


ભારત હારી ગયું


મેચની વાત કરીએ તો સેન્ટ કિટ્સમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય બેટ્સમેનોએ ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. ભારતની આખી ટીમ 19.4 ઓવરમાં 138 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારત તરફથી કોઈ પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહોતો. વેસ્ટ ઈન્ડિઝે આ લક્ષ્યને 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ખૂબ જ સરળતાથી હાંસલ કરી લીધું હતું.


જોકે, ભારત પાસે હજુ પણ શ્રેણીમાં વાપસી કરવાની શાનદાર તક છે. બંને દેશો વચ્ચે ત્રીજી T20 મેચ 2 ઓગસ્ટના રોજ રમાવાની છે. જો કે, ભારતીય સમય અનુસાર હવે ત્રીજી T20 મેચ રાત્રે 8 વાગ્યાના બદલે 9.30 વાગ્યે શરૂ થશે.