ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી શકે છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી બીજી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. શમીએ આ ઇજાના કારણે રિટાયર હર્ટ થવું પડ્યું હતું અને તે ફિલ્ડિંગ કરવા પણ નહોતો આવ્યો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ શમીને લઇ અપડેટ આપ્યું છે. તેણે કહ્યું શમીને ખૂબ પીડા થઈ રહી છે.


મેચ પૂરી થયા બાદ વિરાટ કોહલીએ કહ્યું, શમીની ઈજાને લઈ સાચું અપડેટ મારી પાસે નથી. શમીને સ્કેન માટે લઇ જવાયો છે. તેને ખૂબ દર્દ થતું હતું અને પોતાનો હાથ પણ હલાવી શકતો નહોતો. શમીની ઈજા કેટલી ગંભીર છે તે ટૂંક સમયમાં ખબર પડી જશે.

જે સમયે શમી બેટિગ કરતો હતો ત્યારે ભારતે 36 રનમાં જ 9 વિકેટ ગુમાવી દીધી હતી. કમિંસનો બોલ સીધો જ શમીના જમણા હાથના કાંડા પર વાગ્યો હતો અને તે દર્દથી કણસવા લાગ્યો હતો. ફિઝિયોએ મેદાન પર આવીને શમીને રાહત આપવાની કોશિશ કરી, પરંતુ તે એટલી વધારે હતી કે મેદાન છોડીને બહાર જવા મજબૂર બન્યો હતો.

ટીમ ઈન્ડિયા હાલ સ્ટાર ખેલાડીઓની ઈજાથી પરેશાન છે. ભારતનો અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્માપણ ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસનો હિસ્સો નથી. જાડેજા કનકશનને કારણે પ્રથમ ટેસ્ટ રમી શક્યો નહોતો. રોહિત શર્મા પણ ઇજાના કારણે પ્રથમ બે ટેસ્ટનો હિસ્સો નથી.