પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શિખર ધવન સદીથી ચૂકી ગયો હતો. શિખર ધવન ત્રણ રનથી સદી ચૂકી ગયો હતો. ધવને 99 બોલમાં 97 રન બનાવી આઉટ થયો હતો. ધવને આ ઇનિંગ દરમિયાન 10 ચોગ્ગા અને ત્રણ સિક્સ ફટકારી હતી. ધવન સ્પિન બોલર ગુડાકેશ મોતીનો શિકાર બન્યો હતો.






શિખર ધવન તેની કારકિર્દીમાં છઠ્ઠી વખત નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો છે. એટલું જ નહીં શિખર ધવન પણ એક સમયે 97 રનના સ્કોર પર અણનમ રહ્યો છે. ભારતીય બેટ્સમેનોમાં માત્ર સચિન તેંડુલકર જ વન-ડે ક્રિકેટમાં ધવન કરતા વધુ વખત નર્વસ નાઇન્ટીમાં આઉટ થયો છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કુલ 17 વખત નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો હતો.


છેલ્લી સદી 2019માં ફટકારી હતી


શિખર ધવને લગભગ ત્રણ વર્ષથી વન-ડે ઈન્ટરનેશનલમાં સદી ફટકારી નથી. ધવને તેની છેલ્લી સદી 2019ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ફટકારી હતી. ત્યારથી ધવન ત્રણ વખત નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો છે. 97 રનની ઈનિંગ પહેલા ધવન 2020માં ઓસ્ટ્રેલિયા સામે રાજકોટ વનડેમાં 96 અને ગયા વર્ષે પુણેમાં ઈંગ્લેન્ડ સામે 98 રન બનાવીને આઉટ થયો હતો.


ધવનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી


શિખર ધવને 2010માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડે મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ધવને અત્યાર સુધીમાં 34 ટેસ્ટ, 153 વનડે અને 68 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. વનડેમાં ધવનના નામે 45.54ની એવરેજથી 6422 રન છે, જેમાં 17 સદી અને 36 અડધી સદી સામેલ છે. ટેસ્ટ મેચોમાં ધવનના નામે 40.61ની એવરેજથી 2315 રન છે. ટેસ્ટ ક્રિકેટમાં ધવને 7 સદી અને 5 અડધી સદી ફટકારી છે. ટી-20માં ધવને કુલ 1759 રન ફટકાર્યા છે.