ફેમિલી કોર્ટે બુધવારે ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયશા મુખર્જીના છૂટાછેડા મંજૂર કર્યા હતા. કોર્ટે માન્યું કે પત્નીએ તેને માનસિક ક્રૂરતાનો શિકાર બનાવ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટના જજ હરીશ કુમારે ડિવોર્સ અરજીમાં ધવન દ્વારા તેની પત્ની પર લગાવવામાં આવેલા તમામ આરોપોને આ આધાર પર સ્વીકાર્યા કે પત્નીએ આ આરોપોનો વિરોધ કર્યો નથી અથવા તો તે પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ ગઇ હતી.
કોર્ટે જણાવ્યું હતું કે પત્નીએ ધવનને તેના એકમાત્ર પુત્રથી વર્ષો સુધી અલગ રહેવા માટે દબાણ કરીને માનસિક પીડા આપી હતી. કોર્ટે દંપતિના પુત્રની કાયમી કસ્ટડી અંગે કોઈ આદેશ આપવાનો ઇનકાર કરતી વખતે ધવનને ભારત અને ઓસ્ટ્રેલિયામાં તેના પુત્રને મળવાનો અને વીડિયો કૉલ્સ પર તેની સાથે વાતચીત કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે આયશાને શૈક્ષણિક કેલેન્ડર દરમિયાન શાળાની રજાઓના ઓછામાં ઓછા અડધા સમયગાળા માટે ધવન અને તેના પરિવારના સભ્યો સાથે રાત્રિ રોકાણ સહિત મુલાકાતના હેતુ માટે બાળકને ભારત લાવવાનો આદેશ આપ્યો છે.
ધવનની અરજી અનુસાર, પત્નીએ શરૂઆતમાં કહ્યું હતું કે તે તેની સાથે ભારતમાં જ રહેશે. જો કે, તેણીના ભૂતપૂર્વ પતિ કે જેની સાથે તેણીને બે પુત્રીઓ છે તેની પ્રતિબદ્ધતાને કારણે તે આમ કરવામાં નિષ્ફળ ગઈ છે. તેની પત્નીએ તેના ભૂતપૂર્વ પતિને ઓસ્ટ્રેલિયા ન છોડવાનું વચન આપ્યું હતું, જ્યાં તે હાલમાં તેની બે પુત્રીઓ અને ધવનના એક પુત્ર સાથે રહે છે.
ધવન વર્ષોથી પોતાના પુત્રથી કોઇ પણ પ્રકારની ભૂલ વિના અલગ રહેવાની ભારે પીડામાંથી પસાર થઈ રહ્યો હતો. જો કે પત્નીએ આ આરોપને નકારી કાઢતા કહ્યું કે તે ખરેખર તેની સાથે ભારતમાં રહેવા માંગતી હતી, જો કે તેના અગાઉના લગ્નથી તેની પુત્રીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે તેને ઓસ્ટ્રેલિયામાં રહેવું પડ્યું હતું, તે ભારતમાં રહેવા આવી શકી નહી.
ઉલ્લેખનીય છે કે શિખર ધવને આયશાને હરભજન સિંહની ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમાં જોઈ હતી અને તેની તસવીર જોતા જ તે તેના પ્રેમમાં પડી ગયો હતો. આ પછી શિખરે આયશાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. બંને વચ્ચે વાતચીત થઈ અને તેઓ ફેસબુક પર જ એકબીજાના પ્રેમમાં પડ્યા. શિખર આયશા કરતા 10 વર્ષ નાનો છે. બંનેએ 2009માં સગાઈ કરી હતી. આ પછી ધવને 2012માં આયશા સાથે લગ્ન કર્યા. શિખરના આ પહેલા લગ્ન હતા, પરંતુ આયશાના બીજા લગ્ન હતા. આયશાના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાના એક બિઝનેસમેન સાથે થયા હતા, જે તૂટી ગયા હતા. આયશા અને તેના પહેલા પતિને બે દીકરીઓ છે જેનું નામ રિયા અને આલિયા છે. જેમની ઉંમર 21 અને 17 વર્ષની છે. શિખર અને આયશાને જોરાવર નામનો પુત્ર છે