WC 2023: આજથી વર્લ્ડ કપ 2023ની શરૂઆત થશે. વર્લ્ડ કપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ 13મો વન-ડે વર્લ્ડ કપ છે. ભારતમાં આયોજિત આ ટૂર્નામેન્ટ વિવિધ શહેરોના 10 સ્ટેડિયમમાં રમાશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડની પ્રથમ મેચ શરુ થવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે. ત્યારે અત્યારથી સ્ટેડિયમ પર દેશ વિદેશના પ્રેક્ષકો પહોંચવાનું શરુ થયું છે. આજે મેચ ભલે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડની હોય પરંતુ ક્રિકેટ રસિકો માટે ભારતીય ટીમ સૌથી વધુ હોટ ફેવરિટ છે. જેને લઈ આજે પણ સૌથી વધુ ભારતીય ટીમના ટી શર્ટનું વેચાણ થઈ રહ્યું છે.. સાથે જ ભારતીય ટીમ ફાઈનલમાં રમતી જોવા મળે તેવી પ્રેક્ષકોને આશા છે.
- કેટલી ટીમો ભાગ લઈ રહી છે?
આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડની ટીમો સામેલ છે.
- કેટલી મેચો રમાશે અને તેનું ફોર્મેટ શું છે?
આખા વર્લ્ડ કપમાં કુલ 48 મેચો રમાશે. સૌ પ્રથમ રાઉન્ડ રોબિન મેચો થશે. આ તબક્કામાં એક ટીમ અન્ય તમામ 9 ટીમો સાથે એક-એક મેચ રમશે. સૌથી વધુ પોઈન્ટ ધરાવતી ચાર ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. બે સેમિફાઈનલ મેચ બાદ ફાઈનલ મેચ રમાશે.
- મેચો ક્યારે શરૂ થશે?
વર્લ્ડ કપની મેચો 5 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઈનલ 19 ઓક્ટોબરે રમાશે. એટલે કે આ ટુર્નામેન્ટ કુલ 46 દિવસ સુધી ચાલશે. તમામ મેચ માટે બે સમય નક્કી કરવામાં આવ્યા છે. ડે મેચો સવારે 10.30 વાગ્યે અને ડે-નાઈટ મેચો બપોરે 2 વાગ્યે શરૂ થશે.
- કયા મેદાન પર રમાશે મેચો?
ભારતના 10 શહેરોમાં મેચનું આયોજન કરવામાં આવશે. જેમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, લખનઉ, પુણે, બેંગલુરુ, હૈદરાબાદ અને ધર્મશાલાનો સમાવેશ થાય છે.
- લાઈવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ ક્યાં જોવું?
વર્લ્ડ કપ 2023 મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar પર જોઈ શકાય છે. તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર ટીવી પર મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.
- શું રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યા છે?
સેમિફાઇનલ અને ફાઇનલ બંને મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે. મેચની નિર્ધારિત તારીખ પછીના દિવસે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે.
- આ વખતે શું અલગ છે?
આ વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા છેલ્લા વર્લ્ડ કપ કરતા ઘણી ઓછી રાખવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે પહેલા બે વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વખતે વર્લ્ડ કપનો ભાગ નથી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ વખતે ક્વોલિફાય કરી શકી નથી.
આ પ્રથમ વખત છે જ્યારે ભારત એકલા જ ODI વર્લ્ડ કપની યજમાની કરશે. અગાઉ 1987, 1996 અને 2011માં ભારતે દક્ષિણ એશિયાના દેશો સાથે સંયુક્ત રીતે વર્લ્ડ કપની યજમાની કરી હતી.
- સેમિફાઇનલ અને ફાઇનલ મેચ ક્યાં રમાશે?
ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે સેમિફાઇનલ મેચો વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ અને ઈડન ગાર્ડન્સ, કોલકાતામાં રમાશે.
- ભારત-પાકિસ્તાનની ટક્કર ક્યારે અને ક્યાં થશે?
આ મેચ 14 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.