ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં અને ન્યૂટ્રેલ વેન્યૂ પર યોજાવાની છે. આ ટૂર્નામેન્ટમાં હજુ થોડો સમય બાકી છે પરંતુ ઘણા ખેલાડીઓ તોફાની ઈનિંગ્સ રમીને પોતાની દાવેદારી નોંધાવી ચૂક્યા છે. આવો જ એક ભારતીય ખેલાડી છે, જે હાલમાં ટેસ્ટ અને T20I ટીમમાંથી બહાર છે પરંતુ તેણે તોફાની સદી ફટકારીને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાનો દાવો મજબૂત કરી દિધો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ શ્રેયસ અય્યર છે. મુંબઈ તરફથી રમતા ઐયરે વિજય હજારે ટ્રોફીની પોતાની પહેલી જ મેચમાં વિસ્ફોટક સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી, શ્રેયસે કર્ણાટકના બોલરોની સામે માત્ર 50 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
200ના સ્ટ્રાઈક રેટથી સદી ફટકારી
અય્યરે 55 બોલમાં 114 રનની સદીની ઇનિંગ રમી અને અણનમ પરત ફર્યો. અય્યરની તોફાની સદીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે ચોગ્ગા કરતાં બમણા છગ્ગા ફટકાર્યા હતા. તેના બેટમાંથી 10 ગગનચુંબી છગ્ગા અને 5 ચોગ્ગા આવ્યા હતા. તેણે 207.27ના સ્ટ્રાઈક રેટથી વિસ્ફોટક સદી રમી હતી.
અય્યરની આ સદીની ઇનિંગ્સને કારણે મુંબઈની ટીમ 50 ઓવરના ફોર્મેટની ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં 4 વિકેટ ગુમાવીને 382 રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી હતી. વિજય હઝારે ટ્રોફી 2024-25ના ગ્રુપ સીની તેની પ્રથમ મેચમાં, અય્યરે કર્ણાટકના બોલરોને પહેલા જ બોલથી જ આડે હાથ લીધા હતા. તેણે પહેલા 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછીના 19 બોલમાં સદી ફટકારીને મોટી સિદ્ધિ મેળવી હતી. અય્યરે માત્ર 13 બોલ રમ્યા જેના પર કોઈ રન નહોતા બન્યા. તેની વિસ્ફોટક સદીમાં તેણે તેના 70 ટકા રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા.
અય્યર શાનદાર ફોર્મમાં છે
અય્યર છેલ્લા કેટલાક મહિનાઓથી શાનદાર ફોર્મમાં છે. રણજી ટ્રોફીમાં સદી અને બેવડી સદી ફટકારનાર અય્યરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં પણ સદી ફટકારીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. અને હવે તેણે વિસ્ફોટક સદી સાથે વિજય હજારે ટ્રોફીની શરૂઆત કરીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. ડોમેસ્ટિક ક્રિકેટની અવગણના કરવા બદલ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જોકે, ODIમાં તેનો દાવો હજુ પણ મજબૂત છે. તેણે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી વનડે મેચ ઓગસ્ટમાં શ્રીલંકામાં રમી હતી.
શ્રેયસ અય્યર વર્ષ 2024માં
રણજી ટ્રોફી - 452 રન, 90.4 સરેરાશ, 88.8 SR.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી - 345 રન, 49.3 સરેરાશ, 188.5 SR.
વિજય હજારે ટ્રોફી 2024-25 - 114*(55) પ્રથમ દાવમાં.
Robin Uthappa: રોબિન ઉથપ્પા સામે અરેસ્ટ વોરન્ટ જારી, લાખોના કૌભાંડનો લાગ્યો આરોપ