India Vs West Indies: વેસ્ટ ઈન્ડીઝ સામે રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. વેસ્ટ ઈન્ડીઝ સામે સિરીઝની જીતનો હીરો શ્રેયસ અય્યર રહ્યો છે. કારણ કે, અય્યરે બંને મેચોમાં મુશ્કિલ સ્થિતિમાં ભારતને ઉગાર્યું હતું અને અડધી સદી ફટકારીને પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું. જો કે, શ્રેયસ અય્યરને વેસ્ટ ઈન્ડીઝ સામે સદી ના ફટકારી શક્યાનો અફસોસ છે. 


આ સિરીઝની શરુઆતથી જ શ્રેયસ અય્યરની શોર્ટ બોલને ના રમી શકવા સામેની કમજોરી અંગે સવાલ ઉભા થયા હતા. અય્યરે આ વિશે વાત કરતાં કહ્યું કે, "હું ઘણા વર્ષોથી દ્રવિડ અને રાઠૌર સાથે કામ કરી રહ્યો છું. હું શોર્ટ બોલ સામે રમવા માટે ઘણી મહેનત કરી રહ્યો છું. વિકેટની સ્થિતિઓ બદલાતી રહે છે. તમારે મેચ માટે પરત આવવાનું હોય છે. જો તમે ફિટ છો તો તમે આવું કરવામાં સફળ રહો છો."


સદી ફટકારવાનો અય્યરનો ટાર્ગેટઃ
શ્રેયસ અય્યરે આગળ કહ્યું કે, "હું ખુબ જ નસિબદાર છું કે, વેસ્ટઈન્ડિઝ સામે બે અર્થશતક લગાવીને ટીમને જીત અપાવા માટે યોગદાન આપ્યું છે. પરંતુ મારે મારા અર્ધશતકોને શતકમાં બદલવા પડશે. તમને ઈંટરનેશનલ ક્રિકેટમાં વધારે તક નથી મળતી. મારી પાસે તક હતી. પરંતુ હું તેનો વધુ ઉપયોગ ના કરી શક્યો. આવતી મેચમાં મારો પ્રયત્ન સદી ફટકારવાનો રહેશે."


તમને જણાવી દઈએ કે, વન ડે ક્રિકેટમાં શ્રેયસ અય્યરનો રેકોર્ડ ખુબ જ શાનદાર છે. અત્યાર સુધી તેણે 26 ઈનિંગ રમી છે જેમાં કુલ 1064 રન બનાવ્યા છે. અય્યરે વન ડે ક્રિકેટમાં 11 અર્ધશતક લગાવ્યા છે. જો કે, શ્રેયસ અય્યરને અત્યારે નંબર ત્રણ પર રમવાની તક મળે છે. પરંતુ વિરાટ કોહલી ટીમમાં પરત આવશે ત્યારે અય્યરને નંબર 4 પર જવું પડશે.