નાગપુર: ભારતીય ટીમે બાંગ્લાદેશને ત્રણ મેચોની ટી-20 સીરિઝની અંતિમ મેચમાં 30 રને પરાજય આપીને સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. જોકે મેચ અને સીરિઝ ભારતીય ટીમે કેવી રીતે જીતી તેનો ખુલાસો શ્રેયસ અય્યરે કર્યો હતો. અય્યરે જણાવ્યું હતું કે, કેવી રીતે મેચમાં રોહિત શર્માએ ખેલાડીઓને મોટિવેટ કરીને ટીમને જીત અપાવી હતી.

જીત બાદ શ્રેયસ અય્યરે ખુલાસો કર્યો હતું કે, મેચ દરમિયાન એક સમય એવો આવ્યો હતો જ્યારે કેપ્ટન રોહિત શર્માએ ટીમનાં તમામ ખેલાડીઓને એકસાથે પોતાની પાસે બોલાવ્યા હતા અને તેમની સાથે પેપ ટોક કરી હતી. જેનાથી ખેલાડીઓને મોટિવેશન મળ્યું હતું.

આ જ કારણ છે કે, અંતિમ ઓવરોમાં ટીમનાં ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. રોહિતે સાબિત કરી દીધું છે કે, કેપ્ટનશિપ કરવી એક વાત છે અને તેની જવાબદારીને સમજવી અલગ વાત છે.

અય્યરે જણાવ્યું હતું કે, અમે પ્રેશર મહેસૂસ કરી રહ્યા હતા. અમે જાણતાં હતા કે તે સારી ટીમ છે અને એવી કોઈ ટીમ નથી કે જેને આ ફોર્મેટમાં હલકામાં લઈ શકાય. અમે અંતિમ બે મેચોમાં જોયું હતું કે, તેઓ સારું ક્રિકેટ રમી રહ્યા હતાં.

અમે આ મેચમાં શરૂઆતથી થોડાં સુસ્ત રહ્યા હતા પરંતુ મેચ દરમિયાન રોહિત શર્માએ તમામ ખેલાડીઓને એક સર્કલમાં બોલાવ્યા હતા અને પેપ ટોક કરી હતી. જેના કારણે ખેલાડીઓને પ્રોત્સાહન મળ્યું હતું અને તે જ કારણ હતું કે ભારતે મેચ જીતી હતી.