ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર યુવા બેટ્સમેન શુભમન ગિલને રાજકોટમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારવાની સુવર્ણ તક મળી હતી. જોકે, તે આમ કરી શક્યો ન હતો અને નર્વસ નાઈન્ટીઝમાં 91 રન પર રનઆઉટ થયો હતો. આ રનઆઉટ સાથે જ શુભમન ગિલ ભારતના તે ખાસ બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો જે ટેસ્ટમાં નર્વસ નાઈન્ટીમાં રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યા છે.


શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠો ભારતીય બેટ્સમેન છે જે નર્વસ નાઈન્ટીઝમાં રનઆઉટ થયો હતો. આ યાદીમાં પહેલું નામ વિનુ માકંડનું છે. જે 1953માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ દરમિયાન 96 રન પર રન આઉટ થયો હતો. તેમના પછી બીજા સ્થાને એમએલ જય સિમ્હાનું નામ છે, જે 1960માં પાકિસ્તાન સામે 99 રન બનાવીને રનઆઉટ થયા હતા. ત્રીજા નંબર પર દિલીપ વેંગસરકરનું નામ છે. વેંગસરકર 1982માં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં 90 રન બનાવીને રનઆઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો.


ચોથા નંબર પર અજય જાડેજા છે જે 1997માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં 96 રન બનાવીને રનઆઉટ થયો હતો. અજય જાડેજા પછી ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ પાંચમા નંબર પર છે. તે 2012માં ઈંગ્લેન્ડ સામે 99 રન બનાવીને રનઆઉટ થયો હતો. હવે આ યાદીમાં શુભમન ગિલનું નામ પણ જોડાઈ ગયું છે. જે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી મેચમાં 91 રને રન આઉટ થયો હતો.


તમને જણાવી દઈએ કે શુભમન ગિલ ઈંગ્લેન્ડ સામેની મેચમાં ખૂબ જ લયમાં દેખાઈ રહ્યો હતો. આ મેચમાં તેણે 151 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 91 રન બનાવ્યા હતા. ગિલને બેન સ્ટોક્સે રન આઉટ કર્યો હતો.  


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું છે. આ ઐતિહાસિક જીત સાથે ટીમ ઈન્ડિયા આ સીરીઝમાં 2-1થી આગળ થઈ ગઈ છે. આ મેચમાં ભારતીય ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું અને ઈંગ્લેન્ડને એકતરફી રીતે હરાવ્યું હતું. એક ક્ષણ માટે એવું લાગી રહ્યું હતું કે આ મેચ પાંચમા દિવસે ખતમ થઈ જશે, પરંતુ ટીમ ઈન્ડિયાની શાનદાર બોલિંગ સામે કોઈ પણ ઈંગ્લિશ બેટ્સમેન ટકી શક્યો નહીં અને 557 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે તેઓ 122ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયા. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે.