Shubman Gill India Test captain: ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન તરીકે રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ બાદ નવા સુકાનીની શોધ ચાલી રહી છે. આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ, જે લગભગ એક મહિના પછી શરૂ થશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા ચક્ર (૨૦૨૫-૨૭) નો પ્રારંભ હશે, તેના પહેલાં ભારતીય ટેસ્ટ ટીમની કમાન કોના હાથમાં આવશે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. આ દરમિયાન, ભારતના નવા ટેસ્ટ કેપ્ટનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન બની શકે છે. તાજેતરમાં દિલ્હીમાં ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને શુભમન ગિલ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કહેવાય છે કે આ બેઠક લગભગ ૪-૫ કલાક સુધી ચાલી હતી. અહેવાલ મુજબ, આ બેઠક પછી ગૌતમ ગંભીરે કેપ્ટનશીપ માટે ગિલના નામને મંજૂરી આપવાનું લગભગ નક્કી કરી લીધું છે.

અગાઉ, રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ નવા ટેસ્ટ કેપ્ટન તરીકે ઋષભ પંત, કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓના નામ પણ ચર્ચામાં હતા. જસપ્રીત બુમરાહ, જે હાલમાં ટેસ્ટ ટીમના ઉપ-કપ્તાન પણ છે, તેને કેપ્ટન બનાવવાની અટકળોએ તાજેતરમાં જોર પકડ્યું હતું. જોકે, પીટીઆઈના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બુમરાહ હવે કેપ્ટનશીપની રેસમાંથી બહાર છે.

બુમરાહ કેમ કેપ્ટન નહીં?

જસપ્રીત બુમરાહ ટેસ્ટ ફોર્મેટમાં નિયમિત રીતે રમવામાં ઇજાઓ અને વર્કલોડ મેનેજમેન્ટના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની ૫ ટેસ્ટ મેચની લાંબી શ્રેણીમાં તેના માટે બધી જ મેચ રમવી મુશ્કેલ બનશે તેવું મનાય છે. પ્લેઇંગ ઇલેવનમાં નિયમિતપણે ન રમી શકવાની શક્યતા એ બુમરાહ કેપ્ટન ન બનવા પાછળનું એક મોટું કારણ હોઈ શકે છે.

શુભમન ગિલ - ભારતીય ક્રિકેટનું ભવિષ્ય

શુભમન ગિલને પહેલાથી જ ભારતીય ક્રિકેટના ભવિષ્ય તરીકે જોવામાં આવી રહ્યો હતો. તે હાલમાં વન-ડે આંતરરાષ્ટ્રીય (ODI) ટીમનો ઉપ-કપ્તાન પણ છે. પીટીઆઈના અહેવાલ મુજબ, કેટલાક બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ ગિલને કેપ્ટન બનાવવાથી સંપૂર્ણપણે ખુશ નથી, તેમ છતાં એવા સંકેતો છે કે ગિલને ટેસ્ટ કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવાઈ ગયો છે.