IPL 2023 Final:  ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 16મી સિઝનમાં ચેમ્પીયન બનવા માટે ટક્કર થઇ રહી છે, આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર IPL ટ્રૉફી પર કબજો જમાવવા પ્રયાસ કરશે. આજે ગુજરાતની ટક્કર ચેન્નઇ સુપર કિંગ્સ સામે થશે.   આ વખતે IPL 2023ની ફાઇનલમાં ગુજરાત સામે ચારવારની ટાઇટલ જીતનાર ચેન્નાઇ સુપર કિંગ્સનો સામનો થશે. . બંને વચ્ચે આજે 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે. મેચ આજે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. 


આજે રમાનારી ફાઇનલ મેચની સાથે આ સિઝનના ઓરેન્જ અને પર્પલ કેપના વિજેતાઓ પણ નક્કી થશે. જો કે ઓરેન્જ અને પર્પલ કેપ બંને ગુજરાત ટાઇટન્સના ખાતામાં જતા જોવા મળી રહ્યા છે.


શુભમન ગિલે આ સિઝનમાં શાનદાર બેટિંગ કરતા ત્રણ સદી ફટકારી છે. શુભમન ગિલે 16મી સિઝનમાં 16 મેચમાં 60ની એવરેજ અને 157ના સ્ટ્રાઈક રેટથી 851 રન બનાવ્યા છે. ઓરેન્જ કેપ રેસમાં અન્ય કોઈ ખેલાડી ગિલની નજીક પણ નથી.


ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓપનર કોનવેએ આ સિઝનમાં 625 રન બનાવ્યા છે. કોનવે પાસે હવે ગિલને હરાવવાની કોઈ તક બચી નથી. જો કે, જો કોનવે આજે 50 થી વધુ રન બનાવે છે, તો તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ટોચના ત્રણ ખેલાડીઓમાં સામેલ થઈ શકે છે.


શમી પર્પલ કેપની રેસમાં આગળ છે


હાલમાં પર્પલ કેપ પર મોહમ્મદ શમીનો કબજો છે. મોહમ્મદ શમીએ આ સિઝનમાં 16 મેચમાં 28 વિકેટ લીધી છે. શમીનો સાથી ખેલાડી રાશિદ ખાન બીજા સ્થાને છે. રાશિદ ખાને 16 મેચમાં 27 વિકેટ લીધી છે. ગુજરાત ટાઇટન્સનો અન્ય એક બોલર મોહિત શર્મા પણ પર્પલ કેપની રેસમાં સામેલ છે. મોહિત શર્માએ આ સિઝનમાં 13 મેચમાં 24 વિકેટ લીધી છે.


CSKના ત્રણ ખેલાડીઓ સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 10 બોલરોમાં સામેલ છે. પરંતુ પર્પલ કેપની રેસમાં કોઈ આગળ આવતું નથી. ઝડપી બોલર તુષાર દેશપાંડેએ 21 વિકેટ લીધી છે અને તે સૌથી વધુ વિકેટ લેનારા બોલરની યાદીમાં છઠ્ઠા સ્થાને છે.


ટોપ 10 બોલરોમાં રવિન્દ્ર જાડેજા અને પથિરાનાનું નામ પણ સામેલ છે. જાડેજાએ અત્યાર સુધીમાં 19 વિકેટ લીધી છે અને તે પર્પલ કેપની રેસમાં આઠમા સ્થાને છે. પથિરાના 17 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં 10મા સ્થાને છે.