Shubman Gill Yo-Yo Test Score: વિરાટ કોહલી પોતાની શાનદાર બેટિંગ ઉપરાંત પોતાની શાનદાર ફિટનેસ માટે પણ પ્રખ્યાત છે. વિરાટ કોહલી વિશ્વ ક્રિકેટના સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક છે. પરંતુ શું તમે જાણો છો કે તાજેતરના સમયમાં શુભમન ગિલે યો-યો ટેસ્ટમાં વિરાટ કોહલી કરતા વધુ સ્કોર કર્યો છે. ભારતીય ટીમના ઓપનર શુભમન ગીલે યો-યો ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર કર્યો છે. શુભમન ગિલ 18.7 પોઈન્ટ સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. શુભમન ગિલથી વધુ કોઈએ સ્કોર કર્યો નથી.
શુભમન ગિલે યો-યો ટેસ્ટમાં વિરાટ કોહલીને પછાડ્યો
એવું માનવામાં આવે છે કે જે ખેલાડીઓ સૌથી વધુ ફિટ છે તેઓ યો-યો ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર કરે છે. યો-યો ટેસ્ટ એ ખેલાડીઓની ફિટનેસ માપવા માટેનો સ્કેલ છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઘણીવાર યો-યો ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો પરંતુ આ વખતે શુભમન ગિલે વિરાટ કોહલીને મ્હાત આપી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શુભમન ગિલ ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન મેદાન પર જોવા મળ્યો હતો. આ પછી ભારતીય ટીમ જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં આયર્લેન્ડ ગઈ હતી. શુભમન ગિલ આ ટીમનો ભાગ નહોતો.
શુભમન ગિલ એશિયા કપમાં મેદાન પર જોવા મળશે
હવે શુભમન ગિલ આગામી એશિયા કપમાં જોવા મળશે. એશિયા કપ 2023ની શરુઆત 30 ઓગસ્ટથી થઈ રહી છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટની મેચો પાકિસ્તાન સિવાય શ્રીલંકામાં રમાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ એશિયા કપ અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. ભારતીય ટીમની તમામ મેચો શ્રીલંકામાં રમાશે. આ સિવાય શ્રીલંકામાં સેમી ફાઈનલ અને ફાઈનલ પણ રમાશે.
એશિયા કપ પહેલા જ BCCIએ કોહલીને આપી વોર્નિંગ
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હાલમાં આગામી એશિયા કપની તૈયારીઓ માટે બેંગલુરુમાં 6 દિવસીય પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં તમામ મુખ્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ કન્ડીશનીંગ કેમ્પના પહેલા દિવસે 24 ઓગસ્ટે તમામ ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ યો-યો ટેસ્ટ પાસ કર્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો સ્કોર પણ પોસ્ટ કર્યો હતો. હવે બીસીસીઆઈના અધિકારીઓએ આ માહિતીને લઈને નારાજગી વ્યક્ત કરી છે.
કિંગ કોહલીએ યો-યો ટેસ્ટ પાસ કરી અને ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી એક સ્ટોરી શેર કરી, જેમાં તે શર્ટલેસ અને જમીન પર બેઠો દેખાયો. આ તસવીર દ્વારા તેણે યો-યો ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કોહલીએ લખ્યું, "ખતરનાક શંકુની વચ્ચે યો-યો ટેસ્ટ પુરો કરીને ખુશ છું." આગળ, તેણે યો-યો સ્કોર 17.2 લખ્યો અને ડન લખ્યું. વિરાટ કોહલીએ યો-યો ટેસ્ટ પછી તરત જ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી અને તેમાં તેણે જણાવ્યું કે તેનો સ્કોર 17.2 હતો. આ પછી, સોશિયલ મીડિયા પર કોહલીની ફિટનેસ માટે ચાહકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી. તો બીજી તરફ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, વિરાટ કોહલીની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને સોશિયલ મીડિયાના અન્ય હેન્ડલ્સ પર શેર કરવામાં આવેલ યો-યો ટેસ્ટના સ્કોરથી બીસીસીઆઈના ટોચના અધિકારીઓ નારાજ થયા છે. કોહલીની આ પોસ્ટ બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે ભારતીય ટીમના તમામ ખેલાડીઓને સલાહ આપી છે કે તેઓ તેમના યો-યો ટેસ્ટના સ્કોરને લઈને કોઈ પણ માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરે. રિપોર્ટ અનુસાર, આ સૂચના એશિયા કપ કેમ્પમાં હાજર તમામ ખેલાડીઓને આપવામાં આવી છે.