Shubman Gill ICC Player Of The Month: શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેના બેટથી ઘણા રન નીકળી રહ્યા છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેણે પોતાની બેટિંગ કુશળતા બતાવી અને ટીમ માટે સૌથી મોટા હીરો તરીકે ઉભરી આવ્યો. ગિલની ઉત્તમ બેટિંગને કારણે જ ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી 2-2 થી બરાબર કરવામાં સફળ રહી. હવે તેને જુલાઈ 2025 ના મહિના માટે પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો છે. ICC દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

ગિલનું શાનદાર પ્રદર્શન

શુભમન ગિલને ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર વિઆન મુલ્ડર તરફથી સખત સ્પર્ધાનો સામનો કરીને પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો. 25 વર્ષીય ગિલે જુલાઈમાં મજબૂત રમત બતાવી અને ત્રણ ટેસ્ટ મેચમાં 94.50 ની પ્રભાવશાળી સરેરાશથી 567 રન બનાવ્યા, જેમાં એક બેવડી સદી પણ સામેલ હતી.

શુભમન ગિલે આ વાત કહી

પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ જીત્યા બાદ શુભમન ગિલે કહ્યું કે મને જુલાઈ માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવતા ખૂબ જ સારું લાગે છે. આ વખતે તે વધુ મહત્વપૂર્ણ છે કારણ કે મને કેપ્ટન તરીકે મારી પહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન મારા પ્રદર્શન માટે આ એવોર્ડ મળ્યો છે. બર્મિંગહામમાં ફટકારેલી બેવડી સદી મારી સૌથી યાદગાર ક્ષણોમાંની એક રહેશે. આ એવોર્ડ માટે મને પસંદ કરવા બદલ હું જ્યુરીનો આભાર માનું છું.

ગિલે ચોથી વખત ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીત્યો 

આ શુભમન ગિલનો ચોથો ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ છે. અગાઉ, તેણે ફેબ્રુઆરી 2025, જાન્યુઆરી 2023, સપ્ટેમ્બર 2023 માં આ એવોર્ડ જીત્યો હતો. તે વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો છે જેણે ચાર વખત પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીત્યો છે. શુભમન ગિલે ઇંગ્લેન્ડ પ્રવાસ પર એવી રીતે પ્રદર્શન કર્યું, જે ભાગ્યે જ જોવા મળે છે. તેણે આખી ટેસ્ટ શ્રેણીની પાંચ મેચમાં કુલ 754 રન બનાવ્યા, જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે.

ઇંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ટેસ્ટ કેપ્ટન

શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં સદી ફટકારી હતી, પરંતુ પછી ભારત પાંચ વિકેટથી હારી ગયું. આ પછી, તેણે પ્રથમ ઇનિંગમાં 269 રન અને બીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 161 રન બનાવ્યા. તેના કારણે, ભારતીય ટીમ બીજી મેચ 336 રનથી જીતવામાં સફળ રહી. ગિલ ઇંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ટેસ્ટ કેપ્ટન બન્યો.