વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ક્રિકેટર સર ગારફીલ્ડ સોબર્સનું 89 વર્ષની વયે નિધન થયું છે. બે અઠવાડિયા પછી જ તેઓ 90મો જન્મદિવસ ઉજવવાના હતા. સોબર્સ ક્રિકેટ ઇતિહાસના મહાન ઓલરાઉન્ડરોમાંના એક માનવામાં આવે છે. તેમણે 1954 થી 1973 સુધી વેસ્ટ ઇન્ડીઝ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી.
વનડે ફોર્મેટ રમત ક્રિકેટમાં લોકપ્રિય નહોતી તે પહેલાં સર ગારફિલ્ડ સોબર્સે ટેસ્ટ ફોર્મેટ પર પ્રભુત્વ મેળવ્યું હતું. તેમણે પોતાની કારકિર્દીમાં માત્ર એક જ ODI મેચ રમી હતી, પરંતુ ટેસ્ટમાં 8000 થી વધુ રન બનાવ્યા હતા અને 235 વિકેટ લીધી હતી.
સર ગારફિલ્ડ સોબર્સનો જન્મ 28 જુલાઈ, 1936 ના રોજ કેરેબિયન ટાપુ બારબાડોસમાં થયો હતો. તેમની વિશિષ્ટ વિશેષતા ત્રણ અલગ અલગ શૈલીમાં બોલિંગ કરવાની તેમની ક્ષમતા હતી. તેમણે ડાબા હાથની ફાસ્ટ બોલિંગ, ડાબા હાથથી ઓફ-સ્પિનની સાથે ડાબા હાથની લેગ સ્પિન બોલિંગ પણ કરી હતી.
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે સર ગારફિલ્ડ સોબર્સના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા અને તેમના માટે શોક સંદેશ પણ લખ્યો હતો.
17 વર્ષની ઉંમરે ડેબ્યૂ
સર ગારફિલ્ડ સોબર્સે 17 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 1954 માં, તેમણે ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં બંને ઇનિંગ્સમાં 40 રન બનાવ્યા હતા અને પહેલી ઇનિંગ્સમાં ચાર વિકેટ લીધી હતી. તેમણે બીજી ઇનિંગ્સમાં માત્ર એક ઓવર ફેંકી હતી, જેમાં ઈંગ્લેન્ડે નવ વિકેટથી જીત મેળવી હતી. તેમની93 મેચની ટેસ્ટ કારકિર્દીમાં, તેમણે 8032 રન બનાવ્યા હતા અને 235 વિકેટ લીધી હતી. તેમણે માત્ર એક વનડે રમી હતી, જેમાં એક વિકેટ લીધી હતી.
પાકિસ્તાન સામે અણનમ 365 રન
સોબર્સે વેસ્ટ ઈન્ડિઝ માટે માત્ર 17 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક 1958 માં પાકિસ્તાન સામેની તેમની અણનમ 365 રનની ઇનિંગ હતી, જે તે સમયે ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ખેલાડી દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર હતો. સોબર્સે વેસ્ટ ઈન્ડિઝનું નેતૃત્વ પણ કર્યું હતું અને કેરેબિયન અને તેનાથી આગળના ક્રિકેટરોની પેઢીઓને પ્રેરણા આપી હતી.
