Fastest Century in ODI: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના શાનદાર ફોર્મમાં છે. રાજકોટમાં આયરલેન્ડ સામે રમાઈ રહેલી વન-ડે સીરિઝની ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં સ્મૃતિ મંધાનાએ તોફાની સદી ફટકારી હતી. મંધાનાએ માત્ર 70 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી અને આ સાથે મહિલા વનડે ક્રિકેટના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો. મંધાનાએ ભારત માટે મહિલા વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે તેણીએ હરમનપ્રીતનો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો. આ પહેલા હરમનપ્રીતે 2024માં દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે મેચમાં 87 બોલમાં સદી ફટકારી હતી.

સ્મૃતિ મંધાનાની વનડે કારકિર્દીની આ 10મી સદી છે. આ સાથે ભારતીય ઓપનિંગ બેટ્સમેન વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં 10 સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. એટલું જ નહીં, તે મહિલા વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં 10 કે તેથી વધુ સદી ફટકારનારી વિશ્વની ચોથી ખેલાડી બની ગઈ છે.

આ મંધાનાએ સતત 10 ઇનિંગ્સમાં 8મો 50+ સ્કોર બનાવ્યો છે. આના પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે તે કેટલા શાનદાર ફોર્મમાં છે. આ શ્રેણી દરમિયાન મંધાનાને યુવા ઓપનર પ્રતિકા રાવલે પણ સારો સાથ આપ્યો હતો. ત્રીજી વનડેમાં બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 200 થી વધુ રનની ભાગીદારી થઈ છે.

મંધાનાએ 80 બોલમાં 135 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ તોફાની સદીની ઇનિંગમાં તેણે 7 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે તેણે વન-ડે ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સિક્સ ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી હતી. હવે મંધાના અને હરમનપ્રીતના નામે 52-52 સિક્સ છે. આ ઇનિંગ દરમિયાન મંધાનાએ મહિલા વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરીને પણ પાછળ છોડી દીધી હતી. મંધાનાના 97 વનડેમાં 4195 રન છે જ્યારે પેરીના 4185 રન છે.

IND W vs IRE W 3rd ODI: વન-ડે ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમે પ્રથમવાર બનાવ્યા 400 રન, અનેક રેકોર્ડ તોડ્યા