ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આયરલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ સામેની ત્રીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટના નુકસાન પર 435 રન ફટકાર્યા હતા. આ ભારતીય મહિલા ટીમનો વનડે ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર છે. તેણે પહેલી વાર વનડે ઇતિહાસમાં 400 કે તેથી વધુ રન બનાવ્યા છે.
ભારત માટે સ્મૃતિ મંધાના (135) અને પ્રતિકા રાવલ (154) એ સદી ફટકારી હતી. ઋચા ઘોષ (59) પણ અડધી સદી ફટકારનાર બીજી બેટ્સમેન હતી. આ વનડે ક્રિકેટમાં ચોથો સૌથી મોટો સ્કોર પણ છે.
અનેક રેકોર્ડ તોડ્યા
મહિલા ક્રિકેટના ઇતિહાસમાં આ ફક્ત છઠ્ઠી વખત છે જ્યારે 400 કે તેથી વધુનો સ્કોર કરવામાં આવ્યો છે. આ પહેલા ભારતીય ટીમનો સૌથી વધુ સ્કોર 370 રનનો હતો, જે આયરલેન્ડ સામેની છેલ્લી વન-ડે મેચમાં બનાવવામાં આવ્યો હતો. વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમના નામે છે. તેણે 2018માં આયરલેન્ડ સામે 491 રન બનાવ્યા હતા. 1997માં પણ ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે 455 રન બનાવ્યા હતા.
પ્રતિકાએ તેના ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી
પ્રતિકાએ 129 બોલમાં 154 રન ફટકાર્યા હતા. તેણે 20 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. તેણે 1૦૦ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ તેની વનડે કારકિર્દીની પહેલી સદી હતી. રાવલે આયરલેન્ડ સામેની ચાલુ શ્રેણીની તેની પ્રથમ બે ઇનિંગ્સમાં 89 અને 67 રન કર્યા હતા. પ્રતિકાએ મંધાના (135) સાથે પ્રથમ વિકેટ માટે 233 રનની ભાગીદારી કરી હતી.
ત્રીજી વખત બંને ભારતીય ઓપનરોએ સદી ફટકારી
મહિલા વન-ડે ક્રિકેટમાં બંને ભારતીય ઓપનરોએ સદી ફટકારી હોય તેવી આ ત્રીજી ઘટના છે. આ પહેલા રેશ્મા ગાંધી અને મિતાલી રાજે 1999માં અને દીપ્તિ શર્મા અને પૂનમ રાઉતે 2017માં સદી ફટકારી હતી. ત્રણેય સદી આયરલેન્ડ સામે ફટકારી છે.
રાવલ-મંધાનાની જોડીએ 160 બોલમાં 233 રનની ભાગીદારી કરી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઇતિહાસમાં આ ભારતની ત્રીજી સૌથી મોટી ભાગીદારી બની હતી.
મંધાના વનડેમાં 10 સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની
મંધાનાએ તેના વનડે કારકિર્દીની 10મી સદી ફટકારી હતી. 80 બોલમાં 135 રનની ઇનિંગ રમ્યા બાદ તે આઉટ થઈ ગઈ હતી. મંધાનાના સિવાય ફક્ત મેગ લેનિંગ (15), સુઝી બેટ્સ (13) અને ટેમી બ્યુમોન્ટ (10) એ વનડે ઇતિહાસમાં 10 કે તેથી વધુ સદી ફટકારી છે. ભારત માટે વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે મિતાલી બીજા સ્થાને છે. આ ભૂતપૂર્વ ખેલાડીએ 7 સદી ફટકારી હતી.
Smriti Mandhana: સ્મૃતિ મંધાનાનું રાજકોટમાં શાનદાર પ્રદર્શન, વન-ડેમાં સૌથી ઝડપી સદી ફટકારી