South Africa Test squad: ક્રિકેટ સાઉથ આફ્રિકાએ નવેમ્બરમાં ભારત સામે રમાનારી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે 15 ખેલાડીઓ ની ટીમની જાહેરાત કરી છે. પાકિસ્તાન સામેની ગેરહાજરી બાદ કેપ્ટન ટેમ્બા બાવુમા ની ટીમમાં વાપસી થઈ છે. બાવુમાની આગેવાની હેઠળ જ દક્ષિણ આફ્રિકાએ આ વર્ષે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતી હતી. આ પ્રવાસમાં દક્ષિણ આફ્રિકા બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20I મેચ રમશે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 14 નવેમ્બર થી કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ માટે આ બીજી ઘરઆંગણેની ટેસ્ટ શ્રેણી હશે. દક્ષિણ આફ્રિકા છેલ્લા 26 વર્ષમાં ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી.
ભારત પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમની ઘોષણા
દક્ષિણ આફ્રિકાની ટીમ નવેમ્બર મહિનામાં ભારતનો લાંબો પ્રવાસ ખેડવાની છે, જેમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટની મેચોનો સમાવેશ થાય છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ આ મહત્ત્વપૂર્ણ પ્રવાસની શરૂઆત થનારી ટેસ્ટ શ્રેણી માટે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમનું નેતૃત્વ ટીમનો નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા સંભાળશે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સામેની છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં બાવુમાની ગેરહાજરીમાં એડન માર્કરામે કેપ્ટનશીપ કરી હતી, જે 1-1 થી ડ્રો રહી હતી. બાવુમાની કેપ્ટનશીપ હેઠળ જ દક્ષિણ આફ્રિકાએ આ વર્ષે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટાઇટલ જીત્યું હતું.
દક્ષિણ આફ્રિકાની 15 ખેલાડીઓની ટેસ્ટ ટીમ:
ભારત સામેની પડકારરૂપ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાં અનુભવ અને યુવાનોનો સમન્વય જોવા મળે છે
ટેમ્બા બાવુમા (કેપ્ટન), કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો જેન્સન, એડન માર્કરામ, ઝુબેર હમઝા, કેશવ મહારાજ, રાયન રિકેલ્ટન, ટોની ડી જોર્ઝી, સેનુરન મુથુસામી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાગીસો રબાડા, કાયલ વેરેન, વિઆન મુલ્ડર, સિમોન હાર્મર
શુભમન ગિલ સામે બાવુમાનો મોટો પડકાર
ભારતીય ટીમ માટે કેપ્ટન શુભમન ગિલ ની આગેવાની હેઠળની આ બીજી ઘરઆંગણેની ટેસ્ટ શ્રેણી હશે. ગિલ અને તેની ટીમે અગાઉ વેસ્ટ ઇન્ડીઝ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી 2-0 થી જીતી હતી. હવે, ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ વિજેતા ટીમ દક્ષિણ આફ્રિકાનો પડકાર ગિલ અને ભારતીય ટીમને મળશે, જ્યાં યુવા કેપ્ટનની રણનીતિની કસોટી થશે.
ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતનો 26 વર્ષનો દુકાળ
દક્ષિણ આફ્રિકાની ટીમ ટેસ્ટ શ્રેણી રમવા માટે ભારતનો આ આઠમો પ્રવાસ છે. અગાઉની સાત મુલાકાતોમાં ભારતે ચાર શ્રેણી જીતી છે, દક્ષિણ આફ્રિકાએ માત્ર એક શ્રેણી જીતી છે અને બે શ્રેણી ડ્રો રહી છે. દક્ષિણ આફ્રિકાએ ભારતના પ્રવાસ દરમિયાન છેલ્લી અને એકમાત્ર ટેસ્ટ શ્રેણી 1990 માં જીતી હતી. ત્યારથી, ટીમ પાંચ વખત ભારતની મુલાકાતે આવી છે પરંતુ એક પણ વખત જીતી શકી નથી. આ વખતે બાવુમાની ટીમ આ 26 વર્ષના દુકાળ ને સમાપ્ત કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ
- પ્રથમ ટેસ્ટ:
- તારીખ: 14 નવેમ્બરથી 18 નવેમ્બર
- સ્થળ: ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ, કોલકાતા
- સમય: સવારે 9:30 વાગ્યાથી
- બીજી ટેસ્ટ:
- તારીખ: 22 નવેમ્બરથી 26 નવેમ્બર
- સ્થળ: આસામ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ગુવાહાટી
- સમય: સવારે 9:30 વાગ્યાથી