નવી દિલ્હીઃ ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે બુધવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. શ્રીસંત તાજેતરમાં રણજી ટ્રોફીમાં કેરળ તરફથી રમતો જોવા મળ્યો હતો. શ્રીસંતે આ સિઝનની રણજી ટ્રોફીના લીગ રાઉન્ડ બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર શ્રીસંત ચાલુ રણજી ટ્રોફી સિઝનમાં મેઘાલય સામે મેદાનમાં જોવા મળ્યો હતો. તેણે મેઘાલય સામે પ્રથમ ઇનિંગમાં 2 વિકેટ ઝડપી હતી અને બીજી ઈનિંગમાં તેને કોઈ સફળતા મળી ન હતી. શ્રીસંતની સફર વિવાદોથી ભરેલી રહી હતી. શ્રીસંતે ટ્વિટ કરી નિવૃતિની જાહેરાત કરી હતી. તેણે લખ્યુ કે ક્રિકેટરોની આગામી પેઢી માટે  મેં મારી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મારો એકલાનો છે, અને જો કે હું જાણું છું કે આ નિર્ણય મને ખુશ નહીં કરે, પણ મારા જીવનમાં આ સમયે યોગ્ય અને સન્માનજનક નિર્ણય છે. મેં દરેક ક્ષણને પ્રેમ કર્યો છે. 







ભારત માટે 27 ટેસ્ટ રમી ચુકેલા શ્રીસંત વર્ષ 2007માં ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમ અને 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય રહી ચૂક્યો છે. શ્રીસંતે મિસ્બાહ-ઉલ-હકનો કેચ પકડીને T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમને પાકિસ્તાન સામે જીત અપાવી હતી.






39 વર્ષીય શ્રીસંતે ભારત તરફથી 27 ટેસ્ટ, 53 વન-ડે અને 10 ટી-20 મેચ રમી છે.  આ સિવાય શ્રીસંતે  74 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ 74 મેચોમાં શ્રીસંતે 213 વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 87 વિકેટ છે. ક્રિકેટ સિવાય શ્રીસંતે એક્ટિંગનાં હાથ અજમાવ્યો છે. તેણે ટીવી રિયાલિટી શો તેમજ હિન્દી, મલયાલમ, કન્નડ ભાષામાં કુલ 4 ફિલ્મો કરી છે.


નોંધનીય છે કે આઇપીએલની છઠ્ઠી સીઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે શ્રીસંત સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં સંડોવાયેલો જોવા મળ્યો હતો, ત્યારબાદ આ 39 વર્ષીય ક્રિકેટરને 2013માં પ્રોફેશનલ ક્રિકેટમાંથી આજીવન પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. જો કે, તેના પરનો પ્રતિબંધ ઘટાડીને સાત વર્ષ કરવામાં આવ્યો હતો અને તે સપ્ટેમ્બર 2020 માં પ્રોફેશનલ ક્રિકેટમાં પરત ફર્યો હતો.