શારજાહ: કુસલ મેન્ડિસ અને ભાનુકા રાજપક્ષેએ આક્રમક બેટિંગ કરીને શ્રીલંકાને સુપર-4માં જીત અપાવી છે. ટી-20 એશિયા કપ 2022 ના સુપર-4ની પ્રથમ મેચમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને 4 વિકેટે હાર આપી હતી. અગાઉ શ્રીલંકાને અફઘાનિસ્તાન સામે ગ્રુપ રાઉન્ડમાં 8 વિકેટથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. રહમાનુલ્લાહ ગુરબાઝે 6 સિક્સની મદદથી 84 રન બનાવ્યા હતા. જેના કારણે અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 175 રનનો મોટો ટાર્ગેટ બનાવ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકાએ 19.1 ઓવરમાં 6 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો છે. મેન્ડિસે 19 બોલમાં 36 જ્યારે રાજપક્ષે 14 બોલમાં 31 રન ફટકાર્યા હતા.


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે ઝડપી શરૂઆત કરી હતી. પાવરપ્લેની 6 ઓવર બાદ ટીમનો સ્કોર વિના વિકેટે 57 રન હતો. જોકે મેન્ડિસ સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી શક્યો નહોતો. તે 19 બોલમાં 36 રન બનાવીને ઝડપી બોલર નવીન-ઉલ-હકનો શિકાર બન્યો હતો. તેણે પ્રથમ વિકેટ માટે પથુમ નિસાંકા સાથે 6.3 ઓવરમાં 62 રન જોડ્યા હતા.


નિસાંકા 28 બોલમાં 35 રન બનાવીને ઓફ સ્પિનર ​​મુજીબ ઉર રહેમાનનો શિકાર બન્યો હતો. તેણે 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. શ્રીલંકાને છેલ્લા 30 બોલમાં 49 રન કરવાના હતા. 16મી ઓવરમાં ભાનુકા રાજપક્ષે નવીન-ઉલ-હકની ઓવરમાં 2 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. આ ઓવરમાં કુલ 18 રન થયા હતા. રાશિદ ખાને 17મી ઓવર ફેંકી હતી. જેમા ધનુષ્કા ગુણાતિલકાએ પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે, તે બોલ્ડ થયો હતો. આ રીતે શ્રીલંકાએ 5મી વિકેટ ગુમાવી હતી. તેણે 20 બોલમાં 33 રન બનાવ્યા હતા. વાનિન્દુ હસરંગાએ આવતાની સાથે જ ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં 11 રન બનાવ્યા હતા.


18 બોલમાં 20 રન કરવાના હતા.


શ્રીલંકાને છેલ્લા 18 બોલમાં 20 રન કરવાના હતા. 18મી ઓવર ડાબા હાથના ફાસ્ટ બોલર ફઝલક ફારૂકીએ ફેંકી હતી. હસરંગાએ ત્રીજા અને પાંચમા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં 12 રન બનાવ્યા હતા. નવીન-ઉલ-હકે 19મી ઓવરમાં બોલિંગ કરી હતી. રાજપક્ષે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. તે ત્રીજા બોલ પર બોલ્ડ થયો હતો. તેણે 14 બોલમાં 31 રન બનાવ્યા હતા. કરુણારત્નેએ પ્રથમ બોલે ચોગ્ગો ફટકારીને જીત મેળવી હતી. તે 2 બોલમાં 5 રન બનાવીને અણનમ રહ્યો હતો.


ગુરબાઝે 6 સિક્સર ફટકારી હતી


અગાઉ અફઘાનિસ્તાને રહેમાનુલ્લાહ ગુરબાઝના 45 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 84 રન અને બીજી વિકેટ માટે ઈબ્રાહિમ ઝદરાન (40 રન) સાથે 93 રનની ભાગીદારીથી 6 વિકેટે 175 રનનો ટાર્ગેટ ઉભો કર્યો હતો. ગુરબાઝના આઉટ થતાં જ અફઘાનિસ્તાનની ઇનિંગ્સ ધીમી પડી ગઈ હતી. આ બે સિવાય નજીબુલ્લાહ ઝદરાને 17 અને હઝરતુલ્લાહ ઝઝઈએ 13 રનનું યોગદાન આપ્યું હતું.


ઈબ્રાહિમ ઝદરાને 38 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. તે આઉટ થનાર ત્રીજો ખેલાડી હતો. અફઘાનિસ્તાનની ત્રીજી વિકેટ 18મી ઓવરમાં 151 રનના સ્કોર પર પડી હતી. આ પછી ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી. શ્રીલંકા તરફથી દિલશાને 37 રનમાં બે વિકેટ લીધી હતી જ્યારે તિક્ષ્ણા અને ફર્નાન્ડોને એક-એક વિકેટ મળી હતી.