નવી દિલ્હીઃ આજથી ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ 2022નો પ્રારંભ થશે. જોકે, ટુનામેન્ટના પ્રથમ તબક્કામાં ક્વોલિફિકેશન રાઉન્ડની મેચ રમાશે. આજે પ્રથમ દિવસે બે મેચ રમાવાની છે. પ્રથમ મેચમાં શ્રીલંકાનો સામનો નામિબિયા સામે થશે. બીજી મેચમાં UAE અને નેધરલેન્ડની ટીમ એકબીજા સાથે ટકરાશે.






શ્રીલંકા મેચ જીતવા ફેવરિટ


શ્રીલંકાએ તાજેતરમાં એશિયા કપનું ટાઇટલ જીત્યું છે. જેના કારણે તેનો ઉત્સાહ વધારે છે. કોઈપણ રીતે નામિબિયા કાગળ પર ખૂબ જ નબળું દેખાય છે. આવી સ્થિતિમાં તેને હરાવવાનું શ્રીલંકા માટે એટલું મુશ્કેલ નહી હોય. બંને ટીમો વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર 9.30 કલાકે શરૂ થશે. આ મેચમાં શ્રીલંકાની કેપ્ટનશીપ દાસુન શનાકા કરશે જ્યારે ગેરહાર્ડ ઈરાસ્મસ નામીબિયાની ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે


નેધરલેન્ડ અને UAE વચ્ચે સ્પર્ધા


બીજી મેચની વાત કરીએ તો નેધરલેન્ડ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. નેધરલેન્ડની ટીમે તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડનો સામનો કર્યો છે, જેના કારણે તેણે થોડો અનુભવ મેળવ્યો હશે. UAE અને નેધરલેન્ડ્સ પાસેથી લોકોને ઓછી અપેક્ષાઓ હોવા છતાં પણ તેઓએ તેમની તૈયારીમાં કોઈ કસર છોડી નથી. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે.


કાર્ડિનિયા પાર્કની પીચ એકદમ સપાટ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બેટ્સમેનોને અહીં ઘણો ફાયદો થશે. બંને મેચમાં ટોસ જીત્યા બાદ ટીમ પહેલા બેટિંગ કરવા માંગશે જેથી મોટો સ્કોર બનાવી શકાય.  આ મેદાન પર અત્યાર સુધી માત્ર એક T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. 2017માં રમાયેલી તે મેચમાં શ્રીલંકાની ટીમે ઓસ્ટ્રેલિયાને બે વિકેટથી હરાવ્યું હતું. T20 વર્લ્ડ કપમાં આ મેદાન પર માત્ર ક્વોલિફાઇંગ રાઉન્ડની મેચો જ યોજાવાની છે.


સુપર 12 રાઉન્ડની મેચો 22 ઓક્ટોબરથી રમાશે.


પ્રથમ રાઉન્ડ બાદ સુપર 12 રાઉન્ડ 22મી ઓક્ટોબરથી શરૂ થશે. ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સહિત કુલ આઠ ટીમો સીધા સુપર 12 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. પ્રથમ રાઉન્ડમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે જેમાંથી ચાર ટીમ સુપર 12માં પહોંચશે.