નવી દિલ્લીઃ દુબઈમાં આઈપીએલ શરૂ થાય તે પહેલાં જ બાલ્કનીવાળા રૂમના મુદ્દે મહેન્દ્રસિંહ ધોની સાથે ઝગડીને ભારત પાછો આવી ગયેલો સુરેશ રૈના ઢીલોઢસ થઈ ગયો છે.

રૈનાએ આઈપીએલ રમવા માટે પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક શ્રીનિવાસનને પોતાના પિતા સમાન અને ધોનીને પોતાના ભાઈ જેવો ગણાવ્યો છે.

કેપ્ટન ધોની સાથે વિવાદની અટકળો અંગે રૈનાએ કહ્યુ હતુ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ મારો પરિવાર છે અને માહીભાઈ મારા માટે બધું જ છે. મારા માટે આ કપરો નિર્ણય હતો જે મારે લેવો પડ્યો છે. મારી અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે કોઈ વિવાદ નથી. કોઈ કારણ વગર હું 12 કરોડની ફી છોડીને પાછો ફરુ તેમ નથી. ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી મેં સન્યાસ લીધો હોય પણ બીજા પાંચેક વર્ષ હું આઈપીએલ રમી શકું તેમ છું.

તેણે કહ્યું હતુ કે, હું મારા પરિવારના કારણે ભારત પાછો ફર્યો છું. મને એ વાતની ચિંતા હતી કે, મને કોરોનાના કારણે કશું થઈ જાય તો મારા પરિવારનુ શું થશે કેમ કે મારો પરિવાર મારા માટે મહત્વનો છે.

સુરેશ રૈના અધવચ્ચે જ ટીમને છોડીને ભારત પાછો ફરી જતા.ટીમના માલિક એન. શ્રીનાવસને ધડાકો કર્યો હતો કે, રૈનાને હોટલમાં તેને અપાયેલા રૂમ અંગે નારાજગી હતી. તેને કેપ્ટન ધોની જેવો જ રુમ જોઈતો હતો.ટીમે તેની માંગણી નહીં સંતોષી હોવાથી તે ભારત પાછો ફરી ગયો છે. રૈનાએ કહ્યું હતુ કે, હું હાલમાં પણ ટ્રેનિંગ લઈ રહ્યો છું અને હું ફરી કદાચ ચેન્નાઈના કેમ્પમાં જોવા મળીશ. બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓને સુરક્ષિત રાખવા માટે બહુ સારુ કામ કરી રહ્યા છે. ખેલાડીઓ માટે આ સ્થિતિ નવી છે પણ વાતાવરણ બહુ સુરક્ષિત છે. કોઈ બાયો બબલની બહાર જઈ શકે તેમ નથી. રૈનાના કાકા પર અને પરિવાર પર ગયા મહિને પઠાણકોટમાં હુમલો થયો હતો.જેમાં તેના કાકા અને તેના પિતરાઈનુ મોત થયુ છે.રૈ નાએ કહ્યુ હતુ કે, આ બહુ ભયાનક ઘટના હતી અને તેના કારણે મારો પરિવાર બહુ પરેશાન છે.