નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની નિવૃતિની જાહેરાત બાદ શનિવારે 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. રૈનાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી હતી. આ બે દિગ્ગજના એકસાથે અચાનક ક્રિકેટને અલવિદા કહેવાના નિર્ણયથી તેમના ફેન્સ પણ ભાવુક થયા છે.

રૈનાએ ધોની અને કેટલાક અન્ય ખેલાડીઓ સાથેની એક તસવીર શેર કરીને લખ્યું કે,“તમારી સાથે રમવુ ખૂબજ શાનદાર રહ્યું માહી. દિલથી ગર્વ અનુભવી રહ્યો છું, હું તમારી આ સફરમા સાથી બનવા જઈ રહ્યો છું. શુક્રિય ઈન્ડિયા, જય હિંદ.”

શ્રીલંકા સામે 2005માં વનડે રમીને આંતરરાષ્ટ્રયી કેરિયરની શરૂઆત કરનાર રૈના લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર હતો. તેને ધોનીનો ખાસ માનવામાં આવતો હતો. લિમિટેડ ઓવર ફોર્મેટમાં રૈના એક સમયે ભારતીય ટીમનો સૌથી ભરોશામંદ ખેલાડી હતો. શાનદાર બેટિંગ, પાર્ટ ટાઈમ સ્પિન બોલિંગ અને ફિલ્ડીંગના કારણે તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. ભલે રૈનાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધો હોય પણ તેના આ ખાસ પાંચ રેકોર્ડ તોડવા માટે કોઈ પણ ક્રિકેટરને એડી ચોટીનું જોર લગાવવું પડશે.

રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ કર્યું હતું. 17 જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકા સામે 26 જુલાઈ, 2010ના રોજ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 1 ડિસેમ્બર, 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી-20 ડેબ્યૂ કર્યું હતું. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ 78 ટી-20માં એક સદી અને 5 અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે.

રૈનાએ 18 ટેસ્ટમાં 1 સદી અને 7અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. 226 વન ડેમાં રૈનાએ 35 વખત નોટ આઉટ રહીને 5615 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી લગાવી છે અને 116 નોટ આઉટ શ્રેષ્ઠ સ્કોર છે.

સુરેશ રૈનાના ખાસ રેકોર્ડ્સ

- સુરેશ રૈના વનડે અને ટી20 વિશ્વકપમાં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર છે. રૈના ભારત તરફથી ટી20 આંતરરાષ્ટ્રીયમાં સદી નોંધાવનાર પણ પહેલો ખેલાડી છે.

- રૈના એકમાત્ર એવો ભારતીય બેટ્સમેને છે, જેમણે વનડે ટેસ્ટ, ટી20 આંતરાષ્ટ્રીય, વનડે વિશ્વકપ, ટી20 વિશ્વકપ, આઈપીએલ અને ચેમ્પિયન્સ લીગ ટી20માં ઓછામાં ઓછી એક સદી નોંધાવી છે.

- શાનદાર ફિલ્ડીંગના કારણે સુરેશ રૈનાએ આઈપીએલમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે, રૈના આઈપીએલની તમામ સીઝન રમ્યો છે. અને કુલ 102 કેસ પકડ્યા છે.

- તેણે આઈપીએલમાં સૌથી પહેલા 3000 હજાર પૂર કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. રૈનાએ આઈપીએલમાં અત્યાર સુધી 5368 રન બનાવ્યા છે.

- આઈપીએલ સીઝનમાં સતત 400થી વધુ રન બનાવનાર પણ એકમાત્ર ખેલાડી છે.

- સુરેશ રૈના ભારતનો પ્રથમ એવો સુપર સબ ખેલાડી હતો. આઈસીસી વર્ષ 2005માં ફુટબોલની જેમ સુપર સબ નિયમ લાવ્યું હતું, જેને 9 મહિના બાદ રદ કરી દેવામાં આવ્યો હતો. તેમાં ટીમોએ પોતાની બીજી ઈનિંગમાં એક ખેલાડી બદલવાની છૂટ હોય છે. રૈનાનો ઘણીવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો.