નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધોનીએ ઈન્સ્ટા પોસ્ટમાં કહ્યું હતું કે, હવે મને રિટાયર માની લો. સપોર્ટ કરવા માટે ફેંસનો આભાર. ધોનીના આ નિર્ણયથી તેના ફેન્સ ભાવુક થઈ ગયા છે. ધોનીની પત્ની સાક્ષીએ પણ તેના આ નિર્ણય પર તેમને શુભેચ્છાઓ આપી અને કહ્યું કે, તેમણે આ રમતમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.

ભારતના સૌથી સફળ કેપ્ટન પૈકીનો એક ધોની ગત વર્ષે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વર્લ્ડકપ સેમી ફાઈનલમાં છેલ્લી વખત ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો હતો. ભારતની સાથે સાથે દુનિયાભરના ધોનીના ફેંસ અને વિદેશી ક્રિકેટરોએ ધોનીના ક્રિકેટ યોગદાનને યાદ કર્યું. તેની વચ્ચે સાક્ષીએ પણ એક ખાસ સંદેશ સાથે ધોનીના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી હતી.

સાક્ષીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ધોનીની એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે, “આપે જે પણ મેળવ્યું તેના પર આપને ગર્વ હોવો જોઈએ. રમતમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા બદલ અભિનંદન. મને તમારી ઉપલબ્ધિઓ પર અને એક વ્યક્તિ તરીકે તમારા પર ગર્વ છે. ”

સાક્ષીએ વધુમાં લખ્યું કે, ક્રિકેટ છોડવાનો નિર્ણય માહી માટે ભાવનાઓથી ભરેલો હશે. “મને ખાતરી છે કે, પોતાના પેશનને અલવિદા કહેતી વખતે તમે તમારા આંસુઓને રોકી રાખ્યા હશે. આપને સારા સ્વાસ્થ્ય, ખુશી અને આવનાર સમયમાં શાનદાર વસ્તુઓ માટે શુભકામનાઓ.”


દુનિયા સૌથી સફળ કેપ્ટન પૈકી એક ધોનીએ 500થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે, ધોની ભારતને ન માત્ર ટી20 વર્લ્ડકપ, પણ 28 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન પણ બનાવ્યું, સાથે ટેસ્ટ ક્રિકેટમાં પણ ટીમ ઈન્ડિયાને પહેલીવાર નંબર 1 બનાવવાનો શ્રેય પણ ધોનીને જાય છે.