ચેન્નાઇ સુપર કિંગ્સના ખેલાડી સુરેશ રૈના અને આર અશ્વિને વર્ષ 2014ની આઇપીએલ એડિશનને યાદ કરા ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન કેટલીક યાદોને વગોળી હતી. તે સિઝનમાં રૈના બેસ્ટ ફોર્મમાં ચાલી રહ્યો હતો, અને તેની એક ફાસ્ટ ઇનિંગ પણ ચર્ચાનુ કેન્દ્ર બની હતી.
ઇન્સ્ટાગ્રામ લાઇવમાં એન્કર બનેલા આર અશ્વિને રૈનાને સવાલ કર્યો કે, વર્ષ 2014ની આઇપીએલની તોફાની ઇનિંગ વિશે તમારુ શું કહેવુ છે. જે તમે ક્વૉલિફાયર 2માં રમી હતી.
અશ્વિને કહ્યું કે તમે વીડિયો ગેમની જેમ કિંગ્સ ઇલેવન પંજાબની સામે દરેક બૉલ પર છગ્ગા - ચોગ્ગા મારતા હતા? આપણે તે મેચમાં 230 રન ચેઝ કરી રહ્યાં હતા, અને રૈનાએ ઇનિંગમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. સ્ટ્રાઇક રેટ 348 હતી જોકે, અંતે મેચ આપણે 24 રનથી ગુમાવી હતી.
રૈનાએ આનો જવાબ આપતા કહ્યું કે, મને એ મેચમાં સહેવાગની શાનદાર બેટિંગ ગમી, હું સ્તબ્ધ થઇ ગયો, સહેવાગે નેહરા, મોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અશ્વિનને બરાબર ધોયા હતા.
સહેવાગે 58 બૉલમાં 122 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જેમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. સહેવાગને મેચમાં બેસ્ટ સદીના આધારે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. રૈનાએ આગળ કહ્યું તે સહેવાગની બેટિંગ જોઇને મે પણ આક્રમક ઇનિંગ રમી હતી.
રૈનાએ કહ્યું કે મને ખબર પડી કે પીચ બેટિંગ માટે યોગ્ય છે, અને મેં પણ સહેવાગની જેમ તાબડતોડ બેટિંગ કરતાં 25 બૉલમાં 87 રનની આક્રમક ઇનિંગ રમી હતી.