Suryakumar Yadav Pakistan incident: UAE માં રમાઈ રહેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ એક વિવાદ સામે આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની અસર મેચ પછી પણ જોવા મળી હતી, જ્યારે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ક્રિકેટરો સાથે હાથ મિલાવ્યા નહોતા અને ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. આ ઘટના બાદ સવાલ ઊભો થયો છે કે શું આ કૃત્ય માટે ભારતીય ટીમને કોઈ સજા થઈ શકે છે? આ બાબતમાં ICC ના નિયમો શું છે તે જાણવું જરૂરી છે.
ડ્રેસિંગ રૂમની ઘટના અને નિયમો
સામાન્ય રીતે, દરેક ક્રિકેટ સ્ટેડિયમમાં મહેમાન અને યજમાન ટીમ માટે અલગ-અલગ ડ્રેસિંગ રૂમ હોય છે. જો એશિયા કપ જેવી ટૂર્નામેન્ટ તટસ્થ સ્થળે રમાઈ રહી હોય, તો પણ દરેક ટીમને અલગ ડ્રેસિંગ રૂમ ફાળવવામાં આવે છે. આ ડ્રેસિંગ રૂમ સામાન્ય રીતે એક જ બિલ્ડિંગમાં હોવા છતાં, તે સ્વતંત્ર અને સુરક્ષિત હોય છે, જેમાં ખેલાડીઓ માટે અલગ પ્રવેશ વ્યવસ્થા હોય છે.
મેચ બાદ ભારતીય ખેલાડીઓએ ગુસ્સામાં તેમના ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દેતા, આ ઘટનાએ ચર્ચા જગાવી છે. જો કોઈ ખેલાડી ગુસ્સામાં સ્ટેડિયમની મિલકત, જેમ કે દરવાજો, કાચ કે લોકરને નુકસાન પહોંચાડે, તો તે ICC ના આચારસંહિતાની કલમ 2.2.2 (ગ્રાઉન્ડ સાધનો/સુવિધાઓનો દુરુપયોગ) હેઠળ ગુનો ગણી શકાય છે. આવા કિસ્સાઓમાં, મેચ ફીના અમુક ટકાનો દંડ, ચેતવણી અથવા અત્યંત ગંભીર કિસ્સાઓમાં, સસ્પેન્શન પણ થઈ શકે છે. જોકે, જો દરવાજો જોરથી બંધ કરવા છતાં કોઈ નુકસાન ન થયું હોય, તો મેચ રેફરી આ ઘટનાને અવગણી શકે છે અથવા ફક્ત મૌખિક ચેતવણી આપીને મામલો થાળે પાડી શકે છે.
મેચનું પરિણામ શું આવ્યું?
નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી આ બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. મેચમાં, પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ક્રિકેટ ટીમે માત્ર 15.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 131 રન બનાવીને એકતરફી વિજય મેળવ્યો હતો. આ જીત બાદ, બંને ટીમો વચ્ચે મેદાનની બહાર બનેલી ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.