એશિયા કપ સુપર ફોરમાં પાકિસ્તાન પર ફરી એક શાનદાર જીત બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક આશ્ચર્યજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે કોઈ રાઈવલરી બાકી નથી.
વાસ્તવમાં આ જીત વ્હાઈટ બોલ ક્રિકેટમાં ભારતની પાકિસ્તાન પર સતત સાતમી જીત છે. અત્યાર સુધીમાં બંને ટીમો 15 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સામસામે આવી છે, જેમાંથી ભારતે 12 વખત જીત મેળવી છે. પાકિસ્તાને ફક્ત ત્રણ વખત જીત મેળવી છે. 2022ના વર્લ્ડ કપ પછી આ એકતરફી રેકોર્ડ વધુ મજબૂત બન્યો છે.
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે તેમને પૂછ્યું કે શું આ વખતે પાકિસ્તાન વધુ સ્પર્ધાત્મક છે. સૂર્યકુમારે કહ્યું હતું કે, "મને લાગે છે કે તમારે રાઈવલરી વિશે પ્રશ્નો પૂછવાનું બંધ કરવું જોઈએ. જ્યારે બંને ટીમો 15-20 મેચ રમે છે અને કોઈ એક ટીમ 8-7થી આગળ હોય છે ત્યારે તેને સારુ ક્રિકેટ અને રાઈવલરી હોય છે. પરંતુ જ્યારે એક તરફી પરિણામો હોય ત્યારે તે ફક્ત સારુ ક્રિકેટ કહેવાય છે રાઈવલરી નહીં."
તેમણે અગાઉ દુશ્મનાવટની વાતને ફગાવી દીધી હતી.
તેમણે આગળ કહ્યું હતું કે, "3-૦, 10-1... મને ખબર નથી કે આંકડા શું છે, પણ હવે તે કોઈ રાઈવલરી નથી." સૂર્યકુમારે દુબઈમાં સુપર 4 મેચ પહેલા હરીફાઈની ચર્ચાને ફગાવી દીધી હતી, પરંતુ હવે તેમણે એક એવું નિવેદન આપ્યું છે જે કદાચ હંમેશા યાદ રહેશે. ભૂતકાળમાં બહુ ઓછા કેપ્ટનોએ આ બે ટીમો વચ્ચેની ઐતિહાસિક મેચના સતત એકતરફી પરિણામો વિશે આટલી સ્પષ્ટ વાત કરી હશે.
આ મેચમાં પાકિસ્તાને 171 રન બનાવ્યા, જેમાં સાહિબજાદા ફરહાનની અડધી સદી ફટકારી હતી. જોકે ભારતીય ફિલ્ડરોએ કેટલાક કેચ છોડ્યા. પરંતુ ભારતીય ઓપનર અભિષેક શર્મા અને વાઈસ કેપ્ટન શુભમન ગિલે પાકિસ્તાની સ્પિનરો અને ઝડપી બોલરો વિરુદ્ધ આક્રમક બેટિગ કરી હતી. તેમની શાનદાર સદીની ભાગીદારીને કારણે ટીમે 7 બોલ બાકી રહેતા 6 વિકેટે મેચ જીતી લીધી હતી.