Suryakumar Yadav T20 return: ભારતીય ક્રિકેટ ટીમ માટે છેલ્લો કેટલોક સમય અત્યંત નિરાશાજનક રહ્યો છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા પહેલા આયર્લેન્ડ સામેની 2 મેચની T20 શ્રેણી 0-2 થી અને ત્યારબાદ ઇંગ્લેન્ડ સામેની 5 મેચની મહત્વની T20 શ્રેણી 0-4 થી શરમજનક રીતે હારી ગઈ છે. સતત બે પ્રવાસમાં મસમોટી હારનો સામનો કરવો પડતા જ હવે ભારતીય ક્રિકેટ જગતમાં મોટો ખળભળાટ મચી ગયો છે. આ કારમી હારના કારણે હવે પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવની ટીમ ઇન્ડિયામાં વાપસીને લઈને અટકળો ખૂબ જ તેજ થઈ ગઈ છે. ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી બહાર થયેલા સૂર્યા માટે આ હાર બાદ વાપસીના દરવાજા ફરી એકવાર ખુલતા દેખાઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ જ ભારત 2026 નો T20 વર્લ્ડ કપ જીત્યું હતું. એમએસ ધોની અને રોહિત શર્મા પછી ભારતને આ પ્રતિષ્ઠિત ખિતાબ અપાવનાર સૂર્યા દેશનો ત્રીજો કેપ્ટન બન્યો હતો. જોકે, વર્લ્ડ કપ જીત્યા બાદ તરત જ તેને આયર્લેન્ડ પ્રવાસ માટે કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ શ્રેયસ ઐયરને કમાન સોંપાઈ હતી. એટલું જ નહીં, સૂર્યાને ટીમમાંથી પણ ડ્રોપ કરી દેવાયો હતો. પરંતુ હવે શ્રેયસની આગેવાનીમાં ટીમનું પ્રદર્શન કથળતા જ પસંદગીકારો ફરીથી સૂર્યા તરફ નજર દોડાવી રહ્યા હોય તેમ લાગે છે.
સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ, સૂર્યા માટે ટીમ ઇન્ડિયાના દરવાજા હજુ કાયમ માટે બંધ નથી થયા. BCCI ના એક વરિષ્ઠ સૂત્રના જણાવ્યા અનુસાર, સૂર્યકુમાર યાદવને સંપૂર્ણપણે બાજુ પર ધકેલી દેવામાં આવ્યો નથી. જો તે આગામી સમયમાં ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરશે, તો તે બહુ જલ્દી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું સ્થાન પાછું મેળવી શકે છે.
જોકે, સૂર્યા માટે આ સફર એટલી સરળ પણ નથી, કારણ કે છેલ્લી કેટલીક મેચોમાં તેની ખરાબ બેટિંગ તેના માટે મુશ્કેલીનું કારણ બની છે. ભલે તેની કેપ્ટનશીપમાં ટીમ વર્લ્ડ કપ જીતી, પરંતુ તેનું વ્યક્તિગત પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું. વર્લ્ડ કપની 9 મેચમાં તે માત્ર 242 રન જ બનાવી શક્યો હતો, જેમાં મોટાભાગના રન નાની ટીમો સામે આવ્યા હતા. આ સિવાય IPL 2026 માં પણ તેનું બેટ શાંત રહ્યું હતું, જ્યાં તેણે 13 મેચની 13 ઇનિંગ્સમાં 20.76 ની સામાન્ય સરેરાશથી માત્ર 270 રન બનાવ્યા હતા, જેમાં 2 અડધી સદી સામેલ હતી. હવે એ જોવું ખરેખર રસપ્રદ રહેશે કે સૂર્યા ઘરેલુ ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કરીને કમબેક કરી શકે છે કે નહીં.
આ પણ વાંચોઃ ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
