નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝ ઇજાના કારણે સીનિયર ખેલાડીઓ સતત બહાર થઇ રહ્યાં છે. બીજી ટેસ્ટ બાદ ઉમેશ યાદવ પણ ઇજાના કારણે બહાર થઇ ગયો છે. રિપોર્ટ છે કે ઉમેશ યાદવની જગ્યાએ ટેસ્ટ ટીમમાં યોર્કર મેન ટી નટરાજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે નટરાજનનું ટેસ્ટમાં ડેબ્યૂ થશે.


રિપોર્ટ પ્રમાણે, ભારતીય સીનિયર સિલેક્શન કમિટીએ ઉમેશ યાદવની જગ્યાએ તમિલનાડુના યોર્કર બૉલર ટી નટરાજનને ટેસ્ટ સીરીઝ માટે ટીમમાં સામેલ કર્યો છે. આ પહેલા શાર્દૂલ ઠાકુરનુ નામ ચર્ચાઇ રહ્યું હતુ. શાર્દૂલ ઠાકુરને પણ ઇજાગ્રસ્ત મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટમાં ટીમમાં સામેલ કર્યો છે.

ઇજા થયા બાદ બન્ને સીનિયર બૉલરો મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ ભારત આવી ગયા છે, અને બેગ્લુંરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશનમાં સમય ગાળી રહ્યાં છે.

મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઇજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે બોલિંગ કરવા આવી શક્યો નહોતો. તેની ઈજાને લઈ સ્કેનિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં તેની ઇજા ગંભીર પ્રકારની હોવાનું જાહેર થયા બાદ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટ સીરિઝ પહેલા જ ઈશાંત શર્મા ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. જે બાદ પ્રથમ ટેસ્ટમાં મોહમ્મદ શમીને હાથમાં બોલ વાગતાં થયેલા ફ્રેક્ચરના કારણે તે પણ બહાર થઈ ગયો હતો. હવે ઉમેશ યાદવ પણ બહાર થતાં બોલિંગમાં ભારતની ચિંતા વધી શકે છે.

(ફાઇલ તસવીર)

યોર્કર મેન બૉલર છે ટી નટરાજન....
નટરાજને આઈપીએલ 2020માં શાનદાર બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા. તેના બાદ તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યાં તેણે વનડે અને ટી20 મેચમાં ડેબ્યૂ કરી શાદાર પ્રદર્શન કરી સૌનું દિલ જીતી લીધું હતું. ટી નટરાજન પોતાની વનડે ડેબ્યૂમાં 70 રન આપીને 2 વિકેટ ઝડપી હતી અને ટી-20 સીરિઝમાં 6 વિકેટ ઝડપી હતી.