Robin Uthappa T10 2023 Eliminator: રોબિન ઉથપ્પાની કેપ્ટન્સીવાળી ટીમ હરારે હરિકેન્સે T10 2023 એલિમિનેટરમાં કેપ ટાઉન સેમ્પ આર્મીને 9 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં ઉથપ્પાએ કેપ્ટન ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. તેણે 36 બોલમાં 6 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી અણનમ 88 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા કેપટાઉને 10 ઓવરમાં 146 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં હરારેએ 9.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. હરારેએ બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે. હવે તેનો સામનો ડરબન કલંદર્સ સામે થશે.
કેપટાઉને 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 145 રન બનાવ્યા હતા
પ્રથમ બેટિંગ કરતા કેપટાઉને 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 145 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગુરબાજે 26 બોલમાં અણનમ 62 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. રાજપક્ષેએ 11 બોલમાં 25 રન બનાવ્યા હતા. કરીમે 10 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. સીન વિલિયમ્સે 12 બોલમાં અણનમ 28 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. હાલમાં રોબીન ઉથ્થપાની બેટિંગના ફેન્સ ખુબ વખાણ કરી રહ્યા છે.
રોબિન ઉથપ્પાએ કેપ્ટન ઇનિંગ રમી
લક્ષ્યનો પીછો કરતા હરારેએ 9.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. આ દરમિયાન રોબિન ઉથપ્પાએ કેપ્ટન ઇનિંગ રમી હતી. ઉથપ્પા અંત સુધી અણનમ રહ્યો હતો. તેણે 36 બોલમાં અણનમ 88 રન બનાવ્યા હતા. આ દરમિયાન 8 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ ઉપરાંત એવિન લુઈસે 6 બોલમાં 12 રન બનાવ્યા હતા. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. ડોનાવોન ફેરેરાએ 16 બોલમાં 35 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે એક ફોર અને 4 સિક્સર ફટકારી હતી.
બીજી ક્વોલિફાયર જીતનારી ટીમ 29 જુલાઈએ ફાઇનલમાં જોબર્ગ સામે ટકરાશે
તમને જણાવી દઈએ કે T10 લીગનો પહેલી ક્વોલિફાયર ડરબન કલંદર્સ અને જોબર્ગ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં જોબર્ગે 6 વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે જોબર્ગે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ડર્બને હાર સાથે બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે. હરારે અને કેપટાઉન વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ હતી. કેપટાઉન હાર્યા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. જ્યારે હરારે ક્વોલિફાયરમાં પહોંચી હતી. હવે બીજી ક્વોલિફાયર જીતનારી ટીમ 29 જુલાઈએ ફાઇનલમાં જોબર્ગ સામે ટકરાશે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial