Gautam Gambhir And Jay Shah Divided Over T20 Captain: કોણ હશે ભારતનો આગામી ટી20 કેપ્ટન ? સમગ્ર વિશ્વની નજર આ સવાલ પર ટકેલી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારતના આગામી ટી20 કેપ્ટનને લઈને તકરાર ચાલી રહી છે. BCCI સેક્રેટરી જય શાહ અને નવા મુખ્ય કૉચ ગૌતમ ગંભીર વચ્ચે મતભેદ હોવાના અહેવાલ છે.


હાલમાં ક્રિકેટ જગતમાં ભારતના આગામી ટી20 કેપ્ટનને લઈને ચર્ચા ચાલી રહી છે. સમગ્ર વિશ્વની નજર BCCIના નિર્ણય પર ટકેલી છે. અગાઉ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2024 ટી20 વર્લ્ડકપ વિજેતા ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનું સ્થાન લેશે. પરંતુ અચાનક ફરી એક રિપોર્ટ આવ્યો, જેણે બધાને ચોંકાવી દીધા. બીજા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિકને કેપ્ટનશિપ નહીં મળે. સૂર્યકુમાર યાદવ નવા કેપ્ટન બનવાના સૌથી મોટા દાવેદાર છે. જોકે હવે જે સમાચાર આવ્યા છે તે ચોંકાવનારા છે.


ગૌતમ ગંભીર અને જય શાહમાં મતભેદ ? 
રિપોર્ટ અનુસાર સેક્રેટરી જય શાહ ઈચ્છે છે કે હાર્દિક પંડ્યા ટી20 ટીમની કમાન સંભાળે. જોકે ગૌતમ ગંભીર આ માટે તૈયાર નથી. ગંભીર ઈચ્છે છે કે ટી20 ટીમની બાગડોર સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવે. આ અંગે બંને વચ્ચે મતભેદ હોવાના સમાચાર આવ્યા છે. અન્ય એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ગંભીર વારંવાર ઇજાઓ, બ્રેક લેવા અને વર્કલૉડ મેનેજમેન્ટને કારણે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવા માંગતો નથી.


આજે શ્રીલંકા પ્રવાસ માટે થઇ શકે છે ટીમનું એલાન 
રિપોર્ટ અનુસાર શ્રીલંકા પ્રવાસ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. હકીકતમાં, અગાઉ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી20 સીરીઝ અને ત્રણ મેચની ODI સીરીઝ માટે ટીમની જાહેરાત બુધવારે (17 જુલાઈ) કરવામાં આવશે. જો કે, ત્યારબાદ અચાનક જ સિલેક્શન મીટિંગ સ્થગિત કરવાના સમાચાર સામે આવ્યા છે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે BCCI સેક્રેટરી જય શાહ 19 થી 22 જુલાઈ વચ્ચે શ્રીલંકામાં ICC મીટિંગમાં હાજરી આપવાના છે. આવી સ્થિતિમાં આજે શ્રીલંકા પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે ભારતના આગામી ટી20 કેપ્ટનની પણ આજે જ જાહેરાત થઈ શકે છે.