નવી દિલ્હીઃ યુએઈમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની બુધવારે રાત્રે જાહેરાત કરવામાં આવી હતી. વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમમાં ગુજરાતના ચાર ખેલાડીઓ જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને હાર્દિક પંડયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ 15 સભ્યોની ટીમમાં સૌથી ચોંકાવનારું નામ રવિચંદ્રન અશ્વિનનું છે.


અશ્વિન 4 વર્ષથી ભારતીય ટી-20 ટીમનો નથી હિસ્સો


અશ્વિન છેલ્લા 4 વર્ષથી ભારતીય ટી-20 ટીમનો હિસ્સો નથી. તેણે ભારત તરફથી અંતિમ ટી-20 મેચ 9 જુલાઈ, 2017ના રોજ કિગસ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. જે બાદ તે ક્યારેય ભારતીય ટી-20 ટીમમાં સ્થાન પામ્યો નહોતો અને તેની ટી-20 કરિયર સમાપ્ત થઈ ગઈ હોવાનું કહેવાતું હતું. તે વન ડે ટીમનો પણ સભ્ય નથી અને માત્ર ટેસ્ટ ક્રિકેટ જ રમી રહ્યો છે. આ સ્થિતિમાં મર્યાદિત ઓવરના ક્રિકેટમાં તેની વાપસીની બિલકુલ આશા નહોતી, પરંતુ ગઈકાલે ટી-20 વર્લ્ડકપ ટીમની જાહેરાત થઈ ત્યારે તેનું નામ સાંભળીને તમામને આશ્ચર્ય થયું હતું.


અશ્વિનની કેવી છે ટી-20 કરિયર


ટી-20 વર્લ્ડકપ ટીમમાં અશ્વિનની પસંદગી સાબિત કરે છે કે પસંદગીકર્તાને હજુ પણ તેના પર વિશ્વાસ છે. અશ્વિન 2016માં ટી-20 વર્લ્ડકપ ટીમમાં ભારતનો હિસ્સો હતો. અશ્વિનનો અનુભવ ભારતને કામ આવશે અને કદાચ આ કારણે જ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અશ્વિન બોલિંગની સાથે બેટિંગ પણ કરે છે.  અશ્વિને ભારત તરફથી અત્યાર સુધીમાં 46 ટી-20 મેચમાં 52 વિકેટ લીધી છે. ટી-20 ઈન્ટરનેશનલમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 8 રનમાં 4 વિકેટ છે. ઓવરઓલ ટી-20 ક્રિકેટમાં તેણે 252 મેચમાં 249 વિકેટ ઝડપી છે.


ભારતની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમ


કોહલી (કેપ્ટન), રોહિત શર્મા(વાઈસ કેપ્ટન), કે.એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિ.કી.), ઈશાન કિશન (વિ.કી.), હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, આર.અશ્વિન, અક્ષર પટેલ, વરૃણ ચક્રવર્થી, જસપ્રીત બુમરાહ, બી.કુમાર, શમી.


સ્ટેન્ડ બાય પ્લેયર્સ : શ્રેયસ ઐયર, શાર્દૂલ ઠાકુર અને દીપક ચાહર.


આ પણ વાંચોઃ Australia vs Afghanistan: ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે ટેસ્ટ મેચ યોજવાની કેમ પાડી ના ? જાણો શું આપ્યું કારણ